કાઠમંડુઃ નેપાળ અને તિબેટ સરહદે હિમાની નદી તૂટવાના કારણે આવેલી કુદરતી આફતમાં મૃત્યુઆંક 400ની નજીક પહોંચી ગયો છે. કાદવ અને નદીના પાણીના પ્રચંડ બહાવમાં વહી ગયેલા લોકોના શવ સેંકડો કિલોમીટર દૂર સુધી તણાઈને આવી રહ્યા છે, જેના કારણે એક તરફ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન અત્યંત જટિલ બની ગયું છે, તો બીજી તરફ સ્થાનિક હોસ્પિટલોમાં મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની ભારે અછત ઊભી થઈ છે.
ત્રિશૂળી અને નારાયણી નદી કિનારેથી અનેક મૃતદેહ મળી આવ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, નેપાળના ચિતવન જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રિશૂળી અને નારાયણી નદીના કિનારેથી સતત મૃતદેહો મળી રહ્યા છે. ચિતવનની આરોગ્ય સંસ્થાઓ અને ભરતપુર હોસ્પિટલ પાસે વધુમાં વધુ 12થી 50 મૃતદેહો રાખવાની ક્ષમતા છે, જ્યારે અત્યાર સુધીમાં 130થી વધુ શવ રિકવર કરી લેવામાં આવ્યા છે. જેથી બાકીની મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ માટે વ્યવસ્થા કરવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેવું જાણવા મળ્યું છે.
ઉતાવળે અંતિમ સંસ્કાર કરવા યોગ્ય નથી!
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જગ્યાના અભાવે ઘણા મૃતદેહોને ખુલ્લામાં તાડપત્રી કે આઈસ બોક્સ હેઠળ રાખવાની ફરજ પડી રહી છે, જેના કારણે ગરમીને લીધે મૃતદેહો ખરાબ થવાનું જોખમ વધી ગયું છે. ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલના સિનિયર ફોરેન્સિક એક્સપર્ટ ડો. ગોપાલ ચૌધરીના જણાવ્યા અનુસાર, આવી મોટી આપત્તિ વખતે શવ મળતા જ ઉતાવળમાં દાહ-સંસ્કાર કરી શકાય નહીં.
મોટી સંખ્યામાં મૃતદેહ મળી આવ્યાં છે અને હજી પણ શોધખોળ ચાલુ છે. તેવામાં પૂરતા મૃતદેહ સંગ્રહિત કરવા માટે કોલ્ડ સ્ટોરેજ નથી. જે એક મોટી સમસ્યા બની ગઈ છે. 400 થી વધારે મૃતદેહો તો મળી આવ્યાં છે. જ્યારે સેના અને સુરક્ષા કર્મચારીઓ હજી પણ શોધખોળ કરી રહ્યાં છે. અન્ય દેશોના લોકો પણ સામેલ છે. તેવામાં હવે નેપાળ સરકાર કેવી વ્યવસ્થા કરે છે તે જોવાનું રહેશે.