Tue Sep 01 2026

Logo

અમદાવાદ: મલાલા યૂસુફજઇની પુસ્તક વાંચવા પર બબાલ, પાર્કમાં જમા લોકો પર બજરંગ દળનો હુમલો

2026-08-28 10:48:00
Author: Mumbai Samachar Team
અમદાવાદ: મલાલા યૂસુફજઇની પુસ્તક વાંચવા પર બબાલ, પાર્કમાં જમા લોકો પર બજરંગ દળનો હુમલો

અમદાવાદ: અમદાવાદમાં ગુરુવારે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસૂફજઇની પુસ્તક વાંચી રહેલા સિવિલ સોસાયટી ગ્રુપના સભ્યો અને સ્થાનિક નેતાઓ પર બજરંગ દળના કાર્યકરો દ્વારા હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. 

આ ઘટના વસ્ત્રાપુર સ્થિત ઔડા ગાર્ડનમાં થઇ, જ્યાં લોકો એક સોશિયલ મીડિયાના આહ્વાન પર પુસ્તક વાંચવા માટે એકત્ર થયા હતા. આ વિવાદ લગભગ બે સપ્તાહ પહેલા શરૂ થયો હતો જ્યારે  અમદાવાદની એક ખાનગી સ્કૂલે પોતાના પાઠ્યક્રમમાં મલાલા યૂસુફજઇના એક પુસ્તકને સામેલ કર્યું હતું. 

બજરંગ દળે કાશ્મીર મુદ્દે મલાલાના કથિત નિવેદનોને ભારત વિરોધી ગણાવીને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિની સંવેદનશીલતાને જોતા સ્કૂલ પ્રશાસને તરત પુસ્તકને પાઠ્યક્રમમાંથી પાછુ ખેંચી લીધુ હતું અને તેના અભ્યાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

વસ્ત્રાપુર ગાર્ડનમાં રીડિંગ સેશનનું આયોજન

શાળાના નિર્ણયના વિરોધમાં અને પુસ્તકને ફરીથી સામેલ કરવાની માંગ સાથે સિવિલ સોસાયટી ગ્રુપ અને કોંગ્રેસના નેતા પાર્થિવસિંહ કઠવાડિયા સહિત અનેક સ્થાનિક લોકો વસ્ત્રાપુરના ઓડા ગાર્ડનમાં એકઠા થયા હતા. સોશિયલ મીડિયા પર પ્રસારિત સંદેશ અંતર્ગત આ એક શાંતિપૂર્ણ રીડિંગ સેશન હતું, જ્યાં લોકો સાર્વજનિક રૂપે પુસ્તકો વાંચવા માટે ભેગા થયા હતા.

કાર્યક્રમની માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે તેને ભારત વિરોધી વિમર્શને પ્રોત્સાહન આપનાર પગલું ગણાવીને કાર્યક્રમનો સખત વિરોધ કર્યો હતો.

કાર્યકરોએ મલાલાના પુસ્તકના પ્રચારને તુરંત બંધ કરવાની માંગ કરી હતી. જોતજોતામાં ચર્ચા ઉગ્ર બની ગઈ અને વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ, ત્યારબાદ બજરંગ દળના કાર્યકરોએ પુસ્તક વાંચી રહેલા લોકો પર હુમલો કરી દીધો.

'દરેક નાગરિકને પુસ્તક વાંચવાની સ્વતંત્રતા': સિવિલ સોસાયટી ગ્રુપ

સિવિલ સોસાયટી ગ્રુપના સભ્યોનું કહેવું છે કે ભારતના દરેક નાગરિકને પોતાની પસંદગીનું પુસ્તક વાંચવાનો લોકશાહી અધિકાર છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું કે ત્યાં માત્ર મલાલા યુસુફઝઈની જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને અન્ય અગ્રણી વિચારકોની પુસ્તકો પણ રાખવામાં આવી હતી અને તેનું વાંચન થઇ રહ્યું હતું. 

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે  પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે વાતાવરણ બગાડનાર અને અથડામણમાં સામેલ અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે અને મામલાની તપાસ કરી રહી છે.