એકસાથે અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી; પૂર્વ એશિયામાં તણાવ વધ્યો
ટોકિયો/પ્યોંગયાંગઃ ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાએ આજે એકસાથે અનેક બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઉત્તર કોરિયાની આ હરકતને કારણે પૂર્વ એશિયામાં ખળભળાટ મચી ગયો અને જાપાનમાં તાત્કાલિક નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
જાપાનના વડા પ્રધાન કચેરી (પીએમઓ)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડી હોવાથી અમારી ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી છે, જ્યારે સમગ્ર દેશમાં એલર્ટ આપ્યું છે. જાપાન સરકારે કહ્યું છે કે આ મિસાઈલ તેના વિશેષ ઈકોનોમિક ઝોનની બહાર પડી હતી, પરંતુ સમગ્ર દેશમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતર્કતા વધારી છે. પ્યોંગયાંગના આ પગલાને કારણ કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે ઉત્તર કોરિયાના આ પગલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સૂચિત પ્રસ્તાવોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું.
દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના જણાવ્યાનુસાર ઉત્તર કોરિયા પોતાના પૂર્વ દરિયા કિનારાના શહેર સિન્પો નજીક અનેક બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. આ મિસાઈલ પૂર્વ દરિયાઈકિનારા (જાપાન સાગર)થી લગભગ 140 કિલોમીટર દૂર છોડી હતી. સિન્પો ઉત્તર કોરિયાનું મહત્ત્વનું શિપયાર્ડ છે, જ્યાં સબમરીનનું નિર્માણ થાય છે.
દક્ષિણ કોરિયા પણ ઉત્તર કોરિયાની હરકતનું વૈશ્લેષણ કરે છે કે આ મિસાઈલ જમીનથી સબમરીનથી એમ બંને પર છોડવામાં આવી હતી. જો સબમરીનથી લોન્ચ કરવામાં આવી હતી તો ચાર વર્ષ પછી પહેલી વખત પરીક્ષણ કર્યું છે, જે ઉત્તર કોરિયાની સૈન્ય ક્ષમતા માનવામાં આવે છે.
આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ દેખરેખ રાખનાર સંગઠન આઈએઈએએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર બનાવવામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એની વચ્ચે ઉત્તર કોરિયાએ પરીક્ષણ કર્યું છે. આ વર્ષે ઉત્તર કોરિયાએ સાતમું અને એપ્રિલ મહિનામાં ચોથું પરીક્ષણ કર્યું છે.