(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ લોઅર પરેલમાં આવેલી ૨૩,૮૨૨ ચોરસ મીટર જમીનમાં કોઈએ રસ નહીં દેખાડતા તેની હરાજીની મુદત લંબાવી દેવામાં આવી છે. સોનાની લગડી સમાન ગણાતો જમીનનો આ પ્લોટ લાંબી કાનૂની લડાઈ બાદ પાલિકાને હાથમાં ફરી આવ્યો છે. જમીનનો આ ટુકડો સેન્ચુરી સ્પિનિંગ ઍન્ડ મેન્યુફેકચરિંગ લિમિટેડને મૂળમાં ૧૯૨૭માં લીઝ પર આપવામાં આવ્યો હતો, તેમની પાસેથી જમીન પાછી મેળવવા પાલિકાને નાકે દમ આવી ગયો હતો અને હવે આ જગ્યા હાથમાં આવી ગઈ છે તો તેને ફરી લીઝ પર આપવામાં માટે બિડરોને આકર્ષવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે.
પાલિકાએ જાહેર અને ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ ૩૦ વર્ષ માટે જમીન ભાડે આપવા માટે બિડ મગાવી છે, જે બીજા ૩૦ વર્ષ સુધી વધારી શકાશે. આ પ્લોટ થકી પાલિકાને આશરે ૧,૩૪૮ કરોડ રૂપિયા અપેક્ષિત છે.
આ પ્લોટ મૂળમાં મેસર્સ સેન્ચુરી સ્પિનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (હવે સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ)ને પહેલી એપ્રિલ, ૧૯૨૭થી ૨૮ વર્ષ માટે ગરીબ શ્રેણીના કર્મચારીઓે રહેવા માટે ભાડે આપવામાં આવ્યો હતો. લીઝ ડીડ ત્રણ ઓક્ટોબર, ૧૯૨૮ના અમલમાં મૂકવામાં આવી હતી, જે ૧૯૫૫માં પૂરી થઈ હતી. લીઝ પૂરી થયા બાદ કંપનીએ જમીન પાછી કરવાને બદલે તેના નામે ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. પાલિકા તેથી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જાન્યુઆરી ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પુષ્ટિ આપી હતી કે જમીન યોગ્ય રીતે પાલિકાની માલિકીની જ છે.
પાલિકાની માલિકીની લોઅર પરેલની આ જગ્યા પર હાલ ૪૭૬ રહેણાક મકાન, ૧૦ દુકાન એક સ્કૂલ છે, જેમાં મુખ્ય પ્લોટની કિંમત ૧,૩૪૮ કરોડ રૂપિયા સુધીની છે. જાન્યુઆરીમાં પાલિકાએ પ્લોટને ભાડે આપવા માટે ટેન્ડર મગાવ્યા હતા પણ મૂળ ૧૬ ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદામાં કોઈ બિડ સબમિટ કરવામાં આવી નહોતી.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લોટ લીઝ પર લેવા માટે અને કંપનીઓએ રસ દર્શાવ્યો હતો પણ ૧૬ ફેબ્રુઆરી સુધીમાં કોઈએ બીડ સબમિટ કરી નહોતી. તેથી તેમના સવાલો, તેમની મુંઝવણનું પાલિકા નિરાકરણ લાવી રહી છે અને હવે બીડની મુદત પણ ૧૬ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવી દેવામાં આવી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ જૂન ૨૦૨૫માં પાલિકાએ ક્રાફર્ડ માર્કેટ અને વરલી ડામર પ્લાન્ટ નજીક બે ઊંચી કિંમતના પ્લોટની નિલામી કરી હતી, જેનાથી પાલિકાને ૧,૧૫૨ કરોડ રૂપિયા મળ્યા હતા. રહેવાસીઓના વાંધાને કારણે ૨,૪૩૨ ચોરસ મીટરના મલબાર હિલ પ્લોટની નિલામી રદ કરવામાં આવી હતી. પાલિકા પોતાની મિલકતને ભાડે આપીને આવક ઊભી કરીને તે રકમનો ઉપયોગ પોતાના પ્રોજેક્ટ પૂરા કરવા માટે કરી રહી છે.