Fri Apr 17 2026

Logo

નીતીશે દીકરા માટે સોદાબાજી કરી કે ભાજપે ગેમ કરી નાખી?

2026-03-06 08:48:00
Author: Mumbaisamachar Team
Article Image

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

નીતીશ કુમારે અચાનક જ બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. હોળીનો માહોલ છે તેથી ધુળેટીના દિવસે આ વાત બહાર આવી ત્યારે પહેલાં તો સૌને લાગેલું કે હોળીની મજાકમાં આ વાત વહેતી થઈ છે તેથી વાતને ગંભીરતાથી નહોતી લેવાઈ. ધુળેટીના બીજા દિવસે નીતીશે પોતે રાજ્યસભામાં જવાનું એલાન કરીને આ વાત સાચી હોવાનું જાહેર કર્યું ત્યારે સૌને ખરેખર આંચકો લાગી ગયો કેમ કે નીતીશ માટે અત્યારે વિદાય થવાનું કોઈ કારણ નથી.
 
મુખ્ય પ્રધનપદે નીતીશની આ દસમી ટર્મ છે ને 20 વર્ષથી એ મુખ્ય પ્રધાનપદે જામેલા છે. વચ્ચે જીતનરામ માંઝીને સવા વર્ષ મુખ્ય પ્રધાન બનાવ્યા એ સિવાય 2005થી નીતીશ બિહારની ગાદી પર ગૂંચળું વાળીને બેઠા છે. ભાજપે તેમને હટાવવા માટે બહુ મથામણ કરી જોઈ પણ નીતીશ મચક નહોતા આપતા. સત્તા ટકાવવા માટે નીતીશ કુમારે બે વાર તો ભાજપને તડકે મૂકીને લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ સાથે નાતરાં પણ કરી લીધાં. એ પછી ભાજપે પણ હથિયાર હેઠાં મૂકીને પડ્યું પાનું નિભાવી લેવાનું નક્કી કરીને નીતીશ કુમારને સ્વીકારી લીધા હતા તેથી નીતીશ પર કોઈ ખતરો નહોતો. 

ત્રણ  મહિના પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નીતીશે જેડીયુ-ભાજપના જોડાણને જોરદાર જીત અપાવી પછી તો નીતીશ પરનો રહ્યોસહ્યો ખતરો પણ જતો રહ્યો હતો. મહિલાઓના ખાતામાં રોકડ જમા કરાવીને નીતીશે જેડીયુને પણ ફરી બેઠી કરી નાખેલી ને ભાજપની લગોલગ બેઠકો જીતીને વટ પાડી દીધેલો. આ પરિણામો પછી સૌને લાગતું હતું કે, નીતીશ હવે બીજાં પાંચ વર્ષ માટે જામી ગયા ને હવે 2030 લગી નહીં ઉખડે ને ત્યાં જ નીતીશે  બિહારને અલવિદા કરવાનું નક્કી કર્યું તેથી આંચકો લાગવો સ્વાભાવિક છે. 

નીતીશે રાજીનામું આપવા માટે અત્યંત હાસ્યાસ્પદ કારણ આપ્યું છે. નીતીશના કહેવા પ્રમાણે પોતે રાજકારણમાં આવ્યા ત્યારે નક્કી કરેલું કે, ધારાસભામાં બંને ગૃહ વિધાન સભા અને વિધાન પરિષદ તથા સંસદનાં બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવાની પોતાની મહેચ્છા હતી. પોતે વિધાનસભા, વિધાન પરિષદ અને લોકસભાના સભ્ય બન્યા પણ રાજ્યસભાના સભ્ય બનવાની ઈચ્છા પૂરી નહોતી થઈ. હવે પોતે આ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છે. 

નીતીશ લોકોને મૂરખ સમજીને ઉઠાં ભણાવી રહ્યા છે પણ આ વાત કોણ માને ? કોઈ રાજ્યસભામાં સભ્ય બનવા માટે એક રાજ્યના સર્વસત્તાધીશ એવા મુખ્ય પ્રધાનનો હોદ્દો છોડે ખરું ? ને એ પણ નીતીશ કુમાર ? જે માણસ સત્તા માટે જાત જાતનાં ત્રાગાં ને લાલુ-તેજસ્વી જેવાં છાપેલાં કાટલાં સાથે નાતરાં કરી શકે એ આવી છૂંછાં જેવી ઈચ્છા પૂરી કરવા માટે મુખ્ય પ્રધાનપદ છોડે ખરો ? નીતીશની વાત કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી છે પણ રાજકારણીઓ આવી વાતો કરતા હોય છે. સાચું કહી ના શકાય એમ હોય એટલે ગમે તે ગોળી લોકોને ગળાવવી તો પડે નેે ?

નીતીશે કેમ મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું એ ખબર નથી પણ અમિત શાહ તેમને નડી ગયાનું કહેવાય છે. બિહારમાં ગયા વરસે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછી 20 નવેમ્બર 2025ના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતીશ કુમારે મુખ્ય પ્રધાનપદના શપથ લી ધા હતા. એ વખતે ભાજપ અને ખાસ તો અમિત શાહે નીતીશને બદલે બીજા કોઈને મુખ્ય પ્રધાનપદે બેસાડવાનો પ્રસ્તાવ મોકલેલો.  

નીતીશ કુમાર જેડીયુમાંથી પોતાને ગમે એ નેતાનું નામ આપે ને  ભાજપ તેને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી લેશે એવું કહેણ મોકલાયેલું પણ નીતિશને આ પ્રસ્તાવ ગમ્યો નહોતો. નીતીશ પોતાના બદલે બીજા કોઈને ગાદી પર બેસાડવા માગતા નહોતા તેથી એવી દલીલ કરાયેલી કે, બિહારની જનતાએ નીતીશ કુમારના નામે જનાદેશ આપ્યો છે તો નીતીશ જ મુખ્ય પ્રધાન બનશે. 

ભાજપ પાસે એ વખતે નીતીશની વાત માન્યા વિના છૂટકો નહોતો તેથી નીતીશની તાજપોશી થઈ ગઈ પણ ત્રણ મહિનામાં ભાજપે જેડીયુમાં તોડફોડનો તખ્તો તૈયાર કરીને નીતીશને નવી ઓફર આપી એટલે નીતીશે જખ મારીને જવું પડ્યું. મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાનાં ઊભાં ફાડિયાં કરીને ઉદ્ધવ ઠાકરેને ઉથલાવી નાંખ્યા પછી ઉદ્ધવ ઠાકરે રાજકીય અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારે છે. નીતીશ 75 વર્ષની ઉંમરે બીજા ઉદ્ધવ ઠાકરે બનવા તૈયાર નહોતા તેથી ભાજપ સામે શરણાગતિ સ્વીકારી લીધી એવું કહેવાય છે. 

ભાજપનો ટ્રેક રેકોર્ડ અને નીતીશની સત્તાલાલસા જોતાં આ વાત સાચી હોવાની શક્યતા પ્રબળ છે. મુખ્ય પ્રધાનપદે નીતીશની જેડીયુના  બદલે ભાજપના નેતાને બેસાડાય તો સમજી લેવું કે આ વાત સો ટકા સાચી છે. નીતીશના બદલે જેડીયુના બીજા કોઈ નેતાને ગાદી પર બેસાડાય તો સમજવું કે, ભાજપે બીજી કોઈ રીતે નીતીશનું નાક દબાવ્યું હશે. નીતીશે પોતે સ્વચ્છ અને પ્રમાણિક હોવાની છાપ ઉભી કરી છે. નીતીશના સમર્થકો તેમને સુશાસન બાબુ ગણાવે છે પણ નીતીશ સુશાસન બાબુ નથી જ. એ ક્યાંક ને ક્યાંક ખરડાયેલા હશે ને ભાજપના તાબા હેઠળની એજન્સીઓએ એ શોધી કાઢ્યું હોય એ શક્ય છે. 

એક શક્યતા નીતીશના પુત્ર નિશાંત કુમારની ધમાકેદાર એન્ટ્રી માટે નીતીશે સોદાબાજી કર્યાની છે. નિશાંત કુમાર નીતીશનો એક માત્ર પુત્ર છે અને તેમનો વારસ છે. જેડીયુના કેટલાક નેતા નિશાંતને નીતીશનો રાજકીય વારસ બનાવવા માટે લાંબા સમયથી થનગની રહ્યા છે તેથી નિશાંતને રાજકારણમાં લાવવાનો તખ્તો લાંબા સમય પહેલાં જ ઘડાઈ ગયો હતો. નવેમ્બર, 2025ની વિધાનસભા ચૂંટણી વખતે જ નિશાંતને જેડીયુમાં લાવીને ચૂંટણી લડાવવાની માગ ઉગ્ર બનેલી  પણ નીતીશે એ વખતે સંયમ બતાવીને દીકરાને રાજકારણથી દૂર રાખેલો. 

હવે નીતીશનો સંમય તૂટ્યો છે અને નિશાંતની રાજકારકણમાં એન્ટ્રી થશે એવી જાહેરાત હોળીના દિવસે નીતીશ સરકારના મંત્રી શ્રવણ કુમારે કરી જ છે. આ એન્ટ્રીને ધમાકેદાર બનાવવા માટે નિશાંતને પોતાના સ્થાને મુખ્ય પ્રધાનપદે કે પછી ભાજપને મુખ્ય પ્રધાનપદ આપીને નિશાંતને નાયબ મુખ્ય પ્રધાનપદે બેસાડવાની સોદાબાજી નીતીશે કરી હોય એ શક્યતા નકારી ના શકાય. પોતે રાજ્યસભાના સભ્ય બનીને કેન્દ્ર સરકારમાં મંત્રી બની જાય ને દીકરો બિહારમાં સત્તાસ્થાને ગોઠવાઈ જાય એવી સોદાબાજી ભાજપ સાથે કરી હોય એ શક્ય છે. નીતીશ રાજકારણના અઠંગ ખેલાડી છે એ જોતાં એ ગમે તે કરી શકે. 

નીતીશે શું કર્યું છે તેની ખબર દસેક દાડામાં પડી જશે. રાજ્યસભાની ચૂંટણી 16 માર્ચે થવાની છે ને એ પહેલાં નીતીશના સ્થાને કોને બેસાડવા તેનો નિર્ણય ભાજપ-જેડીયુએ લેવો જ પડશે એ જોતાં જે હશે એ વાજતું ગાજતું સામે આવશે.