કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરવા અને 100 વર્ષ માટે 'કોમન ડક્ટ' બનાવવાનો આપ્યો આદેશ
નાગપુર: નાગપુર ખાતેના નાગ નદી પ્રોજેક્ટના પ્રસ્તાવિત કામો અને નદીકાંઠાના અતિક્રમણ હટાવ્યા બાદ પુનર્વસન વિશે મહલ સ્થિત કેન્દ્રીય પ્રધાનની ઓફિસે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તમામ સરકારી એજન્સીને ચેતવણી આપી છે જે રસ્તાઓનું ખોદકામ કરે છે. 'અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન' પ્રોજેક્ટ માટે હોય કે અન્ય કોઈ પણ પ્રોજેક્ટ માટે રસ્તાઓ માટે તેમની જૂની સ્થિતિ પરત ઊભી થવી ન જોઈએ.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પ્રસાશનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો નાગ નદી પ્રોજેક્ટ માટે ખોદવામાં આવેલા રસ્તાઓનું સમારકામ યોગ્યરીતે ન કરવામાં આવ્યું તો જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવશે અને સબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ પગલાંનો હેતુ નાગ નદી પ્રોજેક્ટ માટે ખોદકામ કરનારી એજન્સીઓની જવાબદારી નક્કી કરવાનું છે.
નાગ નદી પ્રોજેક્ટમાં શું થશે?
નાગ નદી પ્રોજેક્ટમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સીવેજ લાઈનો પણ બનશે. પાંચ ચરણોમાં લાગુ થનારા આ પ્રોજેક્ટ માટે શહેરના પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને પૂર્વ વિધાનસભા વિસ્તારોમાં અનેક રસ્તાઓનું ખોદકામ કરવું પડશે. અમૃત યોજનાના કામો માટે ખોદવામાં આવેલા માર્ગોનું યોગ્ય સમારકામ ન થતા લોકોને અગાઉ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અનુભવને ધ્યાનમાં લેતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નિર્દેશ આપ્યો હતો કે નાગ નદી પ્રોજેક્ટમાં ખોદકામ અને માર્ગને સારો કરવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
સ્થાયી યુટીલીટી મેપિંગ સિસ્ટમ બનાવો
અમૃત અને અન્ય યોજનાઓ હેઠળ ઉત્તમ ઉપલબ્ધ ટેક્નોલોજીનો ઉપયોગ કેમ ન કરવામાં આવ્યો અને તેમણે યુટિલિટી મેપિંગ ટેક્નોલોજીના ઉપયોગને પ્રાથમિકતા આપવાનું સૂચવ્યું હતું. માર્ગના ખોદકામ દરમિયાન પાણી, ગેસ, વીજ અને ટેલિકમ્યુનિકેશન જેવી અલગ અલગ યુટિલિટીઝની પાઇપલાઇનો અને કેબલોને નુકશાનથી બચાવવા માટે એક સ્થાયી યુટીલીટી મેપિંગ સિસ્ટમ બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જયારે અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝના મેપ હાલમાં ઉપલબ્ધ નથી, ત્યારે કેન્દ્રીય પ્રધાન દ્વારા આવતા 100 વર્ષને ધ્યાનમાં લેતા દરેક પ્રકારની પાઇપલાઇનો માટે માર્ગો હેઠળ એક 'કોમન ડ્ક્ટ' બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

નાગ નદીમાં પ્રદૂષણ પર રોક જરુરી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે નાગ નદીનું પ્રદુષિત પાણી ભંડારા જિલ્લા સાથે સાથે નાગપુર જિલ્લાના અમુક તાલુકાઓના વિસ્તારોને પણ અસર કરી રહ્યું છે. તેમણે પાલિકા કમિશ્નર અને જિલ્લા કલેકટરને આ સમસ્યાના ઉકેલ માટે નિર્દેશ આપ્યો જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે પ્રદુષિત પાણીથી લોકોના આરોગ્યને નુકશાન ન થાય અને ખેતી માટે સ્વચ્છ પાણી મળી રહે.
2,500 પરિવારોનું પુનર્વસન કરવામાં આવશે
નાગ નદીકાંઠાથી 15 કિલોમીટરની અંદર બનેલી ગેરકાયદે વસાહતો અને ઝૂંપડપટ્ટીઓને હટાવવામાં આવશે. પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે તેના માટે લગભગ 2,500 કુટુંબોના પુનર્વસનની જરૂર પડશે. જોકે, તેના જવાબમાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે અધિકારીઓને પાલિકા અને નાગપુર ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટની ખાલી જમીનનો સર્વે કરવા અને 5,000 ઘરોને રહેવાલાયક બનાવવાના પ્રસ્તાવને તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પુનર્વસન પ્રક્રિયા વખતે જરૂરી દસ્તાવેજ જમા કરાવવા
પુનર્વસન પ્રક્રિયા વખતે દરેક જરૂરી દસ્તાવેજ જમા કરાવીને પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો અને અતિક્રમણ કરનારાઓની પાત્રતાની તપાસ કરવા પર જોર આપ્યું હતું. બેઠકમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં ગાર્ડિયન નેતા ચંદ્રશેખર બાવનકુળે, જિલ્લા કલેકટર, પાલિકા કમિશનર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.