હેન્રી શાસ્ત્રી
ભારતીય ચિત્રપટની કેટલીક એવી ખાસિયત છે જે તમને અન્ય દેશોની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ જોવા મળે. જેમ કે ગીત-સંગીત, નૃત્ય, ચમત્કાર... લિસ્ટ લાંબું છે જેમાં એક ખાસિયત છે હીરો-હીરોઈનની જોડીનો. 90 વર્ષ પહેલાં બૉમ્બે ટોકીઝના બૅનર હેઠળ બનેલી ‘અછૂત કન્યા’માં અશોક કુમાર-દેવિકા રાનીથી હિન્દી ફિલ્મોમાં રૂપેરી પડદા પર જોડી જામવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. હિન્દી સિવાય સાઉથની ભાષાઓમાં એમજીઆર-સરોજાદેવી સહિત અનેક જોડી જોવા મળી છે. બંગાળી ફિલ્મોમાં ઉત્તમ કુમાર-સુચિત્રા સેન, મરાઠીમાં અરુણ સરનાઈક-જયશ્રી ગડકર અને ગુજરાતી ચિત્રપટમાં તો ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની બોલબાલા હતી.
ત્રીજી ઑગસ્ટના દિવસે જેમની જન્મજયંતી હતી એ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેતા મનહર દેસાઈની પણ ગુજરાતી ફિલ્મોથી ચમકી હિન્દી ફિલ્મોમાં પ્રસિદ્ધિ મેળવનારાં નિરૂપા રૉય સાથે ફિલ્મોમાં જોડી જામી હતી. 1948માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’માં પહેલી વાર નાયક-નાયિકા તરીકે ઝળક્યા પછી ગુજરાતી અને હિન્દીમાં કુલ બે ડઝન ફિલ્મોમાં આ જોડી જામી હતી, બોલો! હિન્દી સિનેમામાં લીડ પેર તરીકે સૌથી વધુ ફિલ્મ (30થી વધારે) કરવાનો વિક્રમ ધર્મેન્દ્ર-હેમા માલિનીના નામ પર છે.
ઉત્તમ કુમાર-સુચિત્રા સેન પણ 30 ફિલ્મમાં હીરો-હીરોઈન તરીકે જોવા મળ્યાં છે. ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં મોટી ભરતી આવી હતી એ 1970ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની જોડી પણ હિટ સાબિત થઈ હતી. 17 વર્ષમાં (1948થી 1965) નિરૂપા રૉય-મનહર દેસાઈ 24 ફિલ્મમાં સાથે જોવા મળ્યાં જેમાં ચાર ગુજરાતી હતી અને અન્ય 20 હિન્દી ફિલ્મો હતી.
નિરૂપા રૉય અને મનહર દેસાઈ વચ્ચે ઉંમરમાં 14 વર્ષનો તફાવત હતો. જોકે બંનેની ફિલ્મ કરિયરની શરૂઆત લગભગ સાથે થઈ. નિરૂપાજીની પહેલી ફિલ્મ હતી ‘રાણકદેવી’ (1946). 1946માં રિલીઝ થયેલું આ એકમાત્ર ગુજરાતી ચિત્રપટ હતું. સૌરાષ્ટ્રનાં રાણીની કથા ધરાવતી આ ફિલ્મને સિને રસિકોનો સારો આવકાર મળ્યો હતો અને આ ફિલ્મથી કલ્પનાના રંગો પૂરેલી ઐતિહાસિક ગુજરાતી ચિત્રપટ નિર્માણને વેગ મળ્યો.
મનહર દેસાઈની પહેલી ફિલ્મ હતી 1947ની ‘તૂફાની સ્વર’. અને 1948માં આવી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’.રતિભાઈ પુનાતર દિગ્દર્શિત આ ફિલ્મ 17 વર્ષનાં નિરૂપાજી અને 31 વર્ષના મનહરભાઈ ને લીડ રોલમાં સાથે ચમકાવતી પહેલી ફિલ્મ હતી. ફિલ્મને ફાંકડો પ્રતિસાદ મળ્યો (40 અઠવાડિયાં ચાલી) અને બંને કલાકારને સ્ટારડમ મળી ગયું. જોડી તરીકે દર્શકોની નજરમાં વસી ગયાં અને ફિલ્મમેકરો વહેતી ગંગામાં હાથ ધોવા માટે થનગનવા લાગ્યા.
આ જોડીની ફિલ્મોની યાદી પર નજર નાખતાં તેમણે નાયક-નાયિકાનો રોલ કર્યો હોય એવી પહેલી ચાર ફિલ્મ ગુજરાતી છે. 1948માં રતિભાઈએ નિરૂપાજી અને મનહરભાઈને લઈને બીજી ફિલ્મ બનાવી ‘નંણદ ભોજાઈ’. આ ફિલ્મ ગુજરાતી અને હિન્દી (નનદ-ભૌજાઈ) એમ બંને ભાષામાં રિલીઝ થઈ હોવાની નોંધ છે. ગુજરાતીમાં સંગીત અવિનાશ વ્યાસનું હતું જ્યારે હિન્દીમાં બુલો સી. રાની સંગીતકાર હતા.
રતિભાઈની જ ‘મંગળફેરા’ જોડીની ત્રીજી ફિલ્મ હતી અને ગીતા દત્ત-એ. આર. ઓઝાએ ગાયેલા યુગલગીત ‘રાખનાં રમકડાં મારા રામે, હે મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે’ ઘેર ઘેર ગુંજ્યું અને આજે પણ અનેકના હોઠ પર રમતું હશે. જોડીની ચોથી ગુજરાતી ફિલ્મ હતી ફરી રતિભાઈ દિગ્દર્શિત અને શ્રી દેશી નાટક સમાજ માટે પ્રભુલાલ દ્વિવેદી લિખિત પ્રસિદ્ધ નાટક ‘ગાડાનો બેલ’ પરથી બનેલી એ જ નામની ફિલ્મ. આ ફિલ્મને પણ સારી સફળતા મળી હતી. આમ નિરૂપા રૉય-મનહર દેસાઈએ સાથે કામ કર્યું હતું એ પ્રથમ ચારેય ગુજરાતી ફિલ્મોને સારી સફળતા મળી હતી.
જોડીની લોકપ્રિયતા જોઈ હિન્દીમાં પૌરાણિક-સામાજિક ચિત્રપટ બનાવતા રમણ બી. દેસાઈએ 1953માં ‘નાગ પંચમી’ નામની ફિલ્મ બનાવી. ફિલ્મને બૉક્સ ઑફિસ પર ધરખમ સફળતા મળી પછી આ હીરો અને હીરોઈન માયથોલૉજિકલ ફિલ્મો બનાવતા મેકરોના ફેવરિટ બની ગયા. એમની ફિલ્મોની યાદી પર નજર ફેરવતાં ‘નાગ પંચમી’ના પ્રભાવનો ખ્યાલ આવે છે. ‘નાગ પંચમી’ સહિત જે 21 ફિલ્મમાં આ જોડી ચમકી એમાંથી પાંચેક ફિલ્મ બાદ કરતાં બાકીની બધી પૌરાણિક અથવા ધાર્મિક કે ઐતહાસિક ફિલ્મ હતી. મનહર દેસાઈ-નિરૂપા રૉય માયથોલૉજિકલ ફિલ્મોની જોડી નંબર વનનો દરજ્જો ધરાવતી હતી.
જોડીની 24 ફિલ્મોની આ રહી યાદી...
નિરૂપા રૉય-મનહર દેસાઈની લીડ રોલમાં પહેલી ફિલ્મ હતી 1948ની ‘ગુણસુંદરી.’ આ એક સામાજિક ચિત્રપટ હતું. તેમની અંતિમ ફિલ્મ હતી ‘સતી નારી’ (1965) જે પૌરાણિક ફિલ્મ હતી. જોકે ફિલ્મ સાઇન કર્યા પછી કોઈ મતભેદ થવાથી નિરૂપાજીએ ફિલ્મ છોડી દીધી હતી અને અનિતા ગુહાને સાઈન કરવામાં આવ્યાં હતાં. આમ આ જોડીની રિલીઝ થયેલી અંતિમ ફિલ્મ હતી ‘શંકર સીતા અનસૂયા’ (1965) અને એ પણ પૌરાણિક ફિલ્મ હતી. આ યાદીમાં પહેલી ચાર ગુજરાતી અને બાકીની ફિલ્મ હિન્દી છે.
1 ગુણસુંદરી (1948),
2 નણંદ ભોજાઈ - ગુજરાતી અને હિન્દી (1948),
3 મંગળફેરા (1949),
4 ગાડાનો બેલ (1950),
5 નાગ પંચમી (1953),
6 મનચલા (1953),
7 નયા રાસ્તા (1953),
8 શિવરાત્રી (1954),
9 સતી મદાલસા (1955),
10 નવરાત્રી (1955),
11 સતી નાગક્ધયા (1956),
12 ચંડી પૂજા (1957),
13 નાગ મણિ (1957),
14 જનમ જનમ કે ફેરે (1957),
15 રામ હનુમાન યુદ્ધ (1957),
16 પતિ પરમેશ્ર્વર (1958),
17 પક્ષીરાજ (1959),
18 ચરણોં કી દાસી (1959),
19 વીર દુર્ગાદાસ (1960),
20 માયા મચ્છેન્દ્ર (1960),
21 હમીર હાથ (1964),
22 શાહી રક્ષા (1965),
23 શંકર સીતા અનસૂયા (1965)
24 સતી નારી (1965).