તેલઅવીવ: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઈરાન પર ઇઝરાયલને નાબૂદ કરવા ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલે આ ખતરાને નિષ્ક્રિય કરવા માટે કાર્યવાહી કરી છે. ઇરાન પર કરવામાં આવેલા હુમલાઓનો હેતુ ઇઝરાયલના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરનારને દૂર કરવાનો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે દરેક પેઢીમાં તેઓ અમને નાબૂદ કરવા ઉભા થાય છે.
ઈરાનનો ઇઝરાયલ અને યહૂદી લોકોના નરસંહારનો પ્રયાસ
નેતન્યાહૂએ માઉન્ટ હર્ઝલ ખાતે આયોજિત રાજ્ય સ્મૃતિ દિવસ સમારોહમાં જણાવ્યું હતું કે ઈરાન ઇઝરાયલ અને યહૂદી લોકોના નરસંહારનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અમારા સાથી અમેરિકા સાથે મળીને અમે પહેલાથી જ તે વિનાશક ઉપકરણનો નાશ કરી દીધો છે. અમે અમારા અસ્તિત્વ પર ઉભરી રહેલા ખતરાને ટાળી દીધો છે.
દક્ષિણ લેબનોનમાં શહીદ થયેલા ડ્રુઝ અધિકારીનો ઉલ્લેખ
નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ઇઝરાયલના લશ્કરી કાર્યવાહીનો મૂળભૂત ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે યહૂદી લોકોની જીવનરેખા ક્યારેય ના તૂટાય. આ પ્રસંગે તેમણે આંતરધાર્મિક સંવાદિતાનું વિઝન પણ વ્યક્ત કર્યું ખાસ કરીને ગયા મહિને દક્ષિણ લેબનોનમાં શહીદ થયેલા ડ્રુઝ અધિકારીનો ઉલ્લેખ કર્યો. યહૂદીઓ અને ડ્રુઝ યુદ્ધમાં સાથે લડી રહ્યા છે.