Fri Aug 28 2026

Logo

નેપાળના ક્રિકેટરોનું ઑસ્ટ્રેલિયામાં એક મિનિટનું મૌનઃ યુવી, રૈના સહિતના ભારતીય ખેલાડીઓની પણ પૂરગ્રસ્ત લોકોને સપોર્ટનું વચન

2026-08-27 17:54:28
Author: Ajay Motiwala
નેપાળના ક્રિકેટરોનું ઑસ્ટ્રેલિયામાં એક મિનિટનું મૌનઃ યુવી, રૈના સહિતના ભારતીય ખેલાડીઓની પણ પૂરગ્રસ્ત લોકોને સપોર્ટનું વચન

ડાર્વિન/નવી દિલ્હીઃ તાજેતરમાં ભારત તથા શ્રીલંકામાં યોજાઈ ગયેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત પૉડેલના નેતૃત્વમાં રમનાર નેપાળની નૅશનલ ક્રિકેટ ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને તેમણે ડાર્વિનમાં એક મૅચની શરૂઆત કરતા પહેલાં તેમના દેશમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલાઓને અંજલિ આપવા તેમ જ અન્ય અસરગ્રસ્ત લોકો પ્રત્યે નૈતિક ટેકો વ્યક્ત કરવા એક મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યાર પછી મૅચ શરૂ કરી હતી.

ભારતના ક્રિકેટરો યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન, મોહમ્મદ અઝહરુદ્દીન તેમ જ સમગ્ર ભારતીય ક્રિકેટ સમુદાયે તેમ જ આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓએ નેપાળના પૂર (Flood)થી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો પ્રત્યે તેમ જ એમાં ફસાયેલા ભારતના અસંખ્ય લોકો સહિતના તમામ લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, તેમને સપોર્ટની ખાતરી આપી છે તેમ જ નેપાળ માટે સમગ્ર વિશ્વને માનવતાવાદી સહાય માટેની અપીલ પણ કરી છે.

નેપાળના ખેલાડીઓ ટૉપ એન્ડ સિરીઝ રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવ્યા છે. તેમની મૅચ જોવા આવેલા પ્રેક્ષકોમાં મૂળ નેપાળ (Nepal)ના કેટલાક લોકોનો પણ સમાવેશ હતો અને ખેલાડીઓએ મેદાન પર એક મિનિટનું મૌન શરૂ કર્યું ત્યારે તેમની સાથે તમામ પ્રેક્ષકો પણ મૌનમાં જોડાયા હતા.

દિપેન્દ્ર સિંહ ઐરી નામનો ક્રિકેટર નેપાળની ટીમના મુખ્ય ખેલાડીઓમાં ગણાય છે. તેના નામે કેટલાક વિક્રમો પણ છે. ફેબ્રુઆરી, 2026માં વાનખેડે સ્ટેડિયમમાં સ્કૉટલૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની મૅચમાં નેપાળે ખાસ કરીને દિપેન્દ્રની હાફ સેન્ચુરી (50 અણનમ, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની મદદથી સ્કૉટલૅન્ડને હરાવ્યું હતું. ગુરુવારે દિપેન્દ્ર અને બીજા નેપાળી ક્રિકેટરોએ તેમના દેશની પ્રજાને પૂર તેમ જ શિલાઓ ધસી પડવાના આફતના આ દિવસોમાં પોતાને ખૂબ સલામત રાખવાની અપીલ કરી છે. દિપેન્દ્રએ ખાસ કરીને વિના વેરનાર ત્રિશુલી નદીની આસપાસ રહેતા લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે.

સંદીપ લમીછાને હાલમાં નેપાળનો ક્રિકેટ-કૅપ્ટન છે. તેણે નેપાળના લોકોને અપીલ કરી છે કે `તમે નદીની નજીક જવાનું, પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેમ જ કોઈ પુલ પર જવાનું ટાળજો, કારણકે ગમે ત્યારે સ્થિતિ બદલાઈ શકે છે. જો તમે અસરગ્રસ્ત વિસ્તારોમાં જ હોવ તો પોતાને ખૂબ સલામત રાખજો અને સ્થાનિક સત્તાધીશોના નિયમોનું બરાબર પાલન કરજો.'

યુવરાજનો હૃદયસ્પર્શી સંદેશઃ રૈના

ભારતના લેજન્ડરી ઑલરાઉન્ડર યુવરાજ સિંહે નેપાળના વિનાશમાં મૃત્યુ પામેલા લોકો વિશે શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા સોશ્યલ મીડિયા પરના સંદેશમાં લખ્યું છે, `આ આપત્તિની અસર પામેલા લોકો પોતાને લાચાર ન માને, કારણકે સમગ્ર ઍથ્લીટ જગત અને ખેલકૂદપ્રેમીઓ તેમની પડખે છે. તમારા અસરગ્રસ્ત પ્રદેશને ફરી બેઠું કરવા માટેના બચાવ અને રાહતના કાર્યોમાં અમે બધા કોઈને કોઈ રીતે તમારી મદદે છીએ જ. આશા રાખું છું કે નેપાળની પ્રજા આ કઠિન સમયનો હિંમતથી સામનો કરશે.'

ભૂતપૂર્વ ખેલાડીઓ સુરેશ રૈના, શિખર ધવન અને અઝહરુદ્દીને પણ નેપાળના અસરગ્રસ્તોને તેમ જ ત્યાંના વિનાશમાં ફસાયેલા ભારતીય પર્યટકો સહિતના તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે.