નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે રાહુલ દ્રવિડ અને વીરેન્દર સેહવાગ મોટી-મોટી હરીફ ટીમોને ભારે પડી જતા હતા અને ભારતને એક પછી એક મૅચ અને સિરીઝ જિતાડતા હતા, પણ હવે તેમણે પોતાની ટૅલન્ટનો વારસો જેમને આપ્યો છે તેઓ ભારતનું નામ રોશન કરવા ભેગા થઈને મેદાન પર ઊતરશે. આ વાત છે રાહુલના પુત્ર અન્વય દ્રવિડ અને વીરેન્દરના પુત્ર આર્યવીર સેહવાગની.
અન્વય (Anvay) દ્રવિડ અને આર્યવીર (Aryaveer) સેહવાગનો સમાવેશ આવતા મહિને ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી અન્ડર-19 ટીમમાં કરવામાં આવ્યો છે. બન્નેના પિતા એકસાથે ઘણું ક્રિકેટ રમ્યા હતા અને હવે તેમના વારસદારો ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
બન્ને ટીમના ગુજરાતી ખેલાડીઓ વિશે જાણો
બીસીસીઆઇની સિલેક્શન કમિટીએ ઑસ્ટ્રલિયામાં આગામી 18મી સપ્ટેમ્બરે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે ટીમની અને ત્યાર બાદ રમાનારી બે મલ્ટિ-ડે મૅચો માટેની ટીમ જાહેર કરી હતી અને અન્વય દ્રવિડ તથા આર્યવીર સેહવાગનો સમાવેશ માત્ર વન-ડે ટીમમાં છે. લક્ષ્ય રાયચંદાની વન-ડે ટીમનો અને યશબર્ધન સિંહ ચૌહાણ મલ્ટિ-ડે સિરીઝની ટીમનો કૅપ્ટન છે. બન્ને ટીમમાં એક-એક પટેલ અટકવાળા ખેલાડી છે. કાવ્ય પરેશ પટેલનો સમાવેશ અન્ડર-19 વન-ડે ટીમમાં અને કુશ ધર્મેશ બિપિનચંદ્ર પટેલને મલ્ટિ-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કાવ્ય પટેલ મહેસાણાનો છે અને પેસ બોલર છે. કુશ પટેલ અમદાવાદનો છે અને રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન છે.
18 વર્ષના આર્યવીર સેહવાગને પહેલી જ વખત ભારત વતી રમવાનો મોકો મળશે. તે હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં રમે છે. 17 વર્ષનો અન્વય દ્રવિડ મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડનો નાનો પુત્ર છે. તે વિકેટકીપર-બૅટ્સમૅન છે અને ગયા મહિને શ્રીલંકાના પ્રવાસમાં તેણે બે યુથ વન-ડેમાં 14 તથા 87 રન બનાવ્યા હતા.
કઈ ટીમમાં કોનો સમાવેશ?
અન્ડર-19 વન-ડે ટીમઃ લક્ષ્ય રાયચંદાની (કૅપ્ટન), યશબર્ધન સિંહ ચૌહાણ (વાઇસ-કૅપ્ટન), રજત બાગેલ (વિકેટકીપર), અન્વય દ્રવિડ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી. કે. વિનિત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપુત, મનલ ચૌહાણ, વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલ્વા, ચિગુરુપતિ વેન્કટ અને કાવ્ય પટેલ.
અન્ડર-19 મલ્ટિ-ડે ટીમઃ યશબર્ધન સિંહ ચૌહાણ (કૅપ્ટન), લક્ષ્ય રાયચંદાની (વાઇસ-કૅપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનલ ચૌહાણ, કુશ પટેલ, માનવ ક્રિષ્ના (વિકેટકીપર), અભિપ્રે બિશ્વાસ (વિકેટકીપર), રોહિત યાદવ, ઇશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલ્વા અને આર્યન યાદવ.