Mon Aug 24 2026

Logo

એનસીપી કોંગ્રેસમાં ભળી જશે? સુપ્રિયા સુળેએ અટકળો પર આપ્યો મોટો જવાબ

2026-07-10 17:12:02
Author: Mumbai Samachar Team
એનસીપી કોંગ્રેસમાં ભળી જશે? સુપ્રિયા સુળેએ અટકળો પર આપ્યો મોટો જવાબ

પુણે: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટ્યા પછી શરદ પવારની એનસીપી પણ તૂટવાની અટકળોએ જોર પકડ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી - એસપી)નાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ તેમના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ અંગેની અટકળોન ફગાવી જણાવ્યું હતું કે બંને પક્ષ વચ્ચે કોઈ દરખાસ્તની આપ-લે થઈ નથી અને તેઓ સાથી પક્ષ તરીકે સાથે કામ કરવાનું ચાલુ રાખશે. 

એનસીપી (એસપી) અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (એમવીએ) અને રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા બ્લોકના ઘટકો છે. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં સુપ્રિયા સુળેએ એમ પણ જણાવ્યું હતું કે અમને કોંગ્રેસ તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી અને ન તો અમે તેમને વિલીનીકરણ અંગે કોઈ પ્રસ્તાવ આપ્યો છે.'

પુણે જિલ્લાના બારામતીના સંસદ સભ્ય એનસીપી (એસપી) અને કોંગ્રેસ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખી રાજકીય બાબતોમાં નિયમિતપણે સંકલન કરતા રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'હું જ્યારે પણ દિલ્હી જાઉં છું ત્યારે પ્રિયંકા ગાંધીને મળવા માટે સમય માંગું છું. અમે મહારાષ્ટ્રમાં રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસની ચર્ચા કરીએ છીએ.મહારાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે નિયમિત આપલે પણ કરી હતી. 

ઘણી સંયુક્ત સંસદીય સમિતિમાં અમે (એનસીપી - એસપી અને કોંગ્રેસ) સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને ઘણીવાર વિવિધ મુદ્દાઓ પર અમારું વલણ નક્કી કરીએ છીએ. હું રાહુલ ગાંધીની પણ સલાહ લઉં છું અને મહારાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરું છું.

ગયા અઠવાડિયે વાતચીતમાં કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કોંગ્રેસથી અલગ થયા પછી રચાયેલા પ્રાદેશિક સંગઠનોના વડાઓને મૂળ સંગઠનમાં પાછા ફરવા વિનંતી કરી હતી. ચવ્હાણે કોંગ્રેસને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા આ અપીલ કરી હતી જેથી તે તેના વૈચારિક વિરોધીઓનો નવા જોશ સાથે સામનો કરી શકે.