Wed Jul 01 2026

Logo

ન્યૂ ઝીલૅન્ડનો આ ક્રિકેટર તેના જ દેશની ખેલાડી સાથે લગ્ન કરશે

Arlington   2026-07-01 19:11:58
Author: Ajay Motiwala
Article Image

ઑકલૅન્ડઃ ન્યૂ ઝીલૅન્ડનો ક્રિકેટર નૅથન સ્મિથ અને તેના જ દેશની જાણીતી ક્રિકેટ ખેલાડી ઍમેલી કેર ચાર વર્ષથી એકમેક સાથે રિલેશનશિપમાં છે અને તેઓ આ વખતના ઉનાળામાં ન્યૂ ઝીલૅન્ડમાં લગ્નગ્રંથિથી જોડાશે.

નૅથન (Nathan) અને ઍમેલી (Amelie) 2021-'22ની ડોમેસ્ટિક સીઝન દરમ્યાન વેલિંગ્ટનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા ત્યારે પહેલી વખત એકમેકના સંપર્કમાં આવ્યા હતા. બન્ને વચ્ચેની દોસ્તી ગાઢ બની હતી અને એકમેકના પ્રેમમાં પડ્યા હતા અને ડેટિંગ શરૂ કર્યું હતું.

27 વર્ષનો નૅથન સ્મિથ પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે. તે ન્યૂ ઝીલૅન્ડ વતી બે વર્ષની કારકિર્દીમાં આઠ ટેસ્ટ, 17 વન-ડે અને બે ટી-20 રમ્યો છે. સોમવારે ઇંગ્લૅન્ડ સામે ન્યૂ ઝીલૅન્ડે 2-1થી જે ટેસ્ટ સિરીઝ જીતી એમાં સૌથી વધુ 16 વિકેટ નૅથન સ્મિથે લીધી હતી. તેણે બે વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિદીમાં કુલ 60 વિકેટ લીધી છે.

વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલી પચીસ વર્ષની ઍમેલી કેર ન્યૂ ઝીલૅન્ડની મહિલા ટીમની બૅટિંગ ઑલરાઉન્ડર છે. તેણે કુલ 164 આંતરરાષ્ટ્રીય મૅચમાં 4,800થી વધુ રન બનાવ્યા છે અને સ્પિનની કરામતથી કુલ 240 વિકેટ લીધી છે.