નાંદેડ: નાંદેડ જિલ્લામાં નાણાકીય વિવાદમાં શસ્ત્રના ઘા ઝીંકી પચીસ વર્ષના યુવકની હત્યા કરવા બદલ મહિલા સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સગીરને તાબામાં લેવાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
જિલ્લાના ધનગાવ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ખાતે 8 ઑગસ્ટે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ ઇન્દરજીત સિંહ બાવરી તરીકે થઇ હતી.
ઇન્દરજીત અને તેનો સાથીદાર લોન આપતી એક એજન્સીમાં કામ કરતા હતા અને તેમણે લોનનો હપ્તો ન ભરવા બદલ આરોપીની મોટરસાઇકલ જપ્ત કરી હતી, જેને કારણે આરોપી સાથે તેમની દુશ્મનાવટ હતી. આરોપી અને તેના સાથીદારોએ મોટરસાઇકલ પર ઇન્દરજીતનો પેટ્રોલ પંપ સુધી પીછો કર્યો હતો અને બાદમાં તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઇન્દરજીતને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને ડોક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી હતી, જ્યારે સગીરને તાબામાં લેવાયો હતો. (પીટીઆઇ)