નાગપુર: દેશમાં અત્યારે 'ચંદાચોરી'ની ચર્ચા ચારેકોર ચર્ચાય છે, ત્યારે નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. નાગપુરના મલધક્કા સ્થિત શીતળા માતા મંદિર અને શિવ મંદિરમાં બે ચોરોએ દાનપેટીનું તાળું તોડી દાનની ચોરી કરી હતી, પરંતુ વાયરલ સીસીટીવીમાં ચોરી કર્યા પછી ચોરોએ ભગવાનની માફી માગતા જોવા મળ્યા હતા.
મંદિરના સીસીટીવી ફૂટેજમાં બંને ચોર ચોરી કરતા પહેલા ભગવાન સામે કાન પકડી માફી માંગતા નજરે પડે છે અને ત્યાર બાદ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કર્યા બાદ ભાગી રહેલા એક ચોર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ પહોંચી ગયો, જયારે બીજો આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટના 27 જુલાઈના ઘટી હતી. મોડી રાતના મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી. ચોરી કર્યા પછી બંને ચોર કાન પકડીને ભગવાનની માફી માગતા જોવા મળ્યા હતા. ઘટના બાદ એક આરોપી જયનીત ચૌરે છત્તીસગઢમાં પોતાના એક સબંધીને ત્યાં છુપાવવા માટે ગયો હતો. પરંતુ કહેવાય છે કે 'ભગવાન કે ઘર દેર હે, પર અંધેર નહીં', ચોરી કર્યા બાદ ભાગી રહેલો આ આરોપી માર્ગ અકસ્માતમાં તેનો પગ ભાગી જતા ઈજાગ્રસ્ત થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું જયારે બીજા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. નાગપુર પોલીસ દ્વારા પોતાના સિમ્બા સોફ્ટવેરની મદદથી ફરાર આરોપી વંશ મેશ્રામની શહેરના જરીપટકા વિસ્તારથી અટકાયત કરવામાં આવી હતી.
બંને આરોપી દારૂના બંધાણી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને આરોપી દારૂના બંધાણી છે અને દારૂ પીને હંગામો કરવાના અનેક મામલામાં તેઓ પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા છે. આ રેકોર્ડ અને સિમ્બા સોફ્ટવેર પ્રણાલીની મદદથી પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. હાલમાં વંશ મેશ્રામની અટકાયત કરવામાં આવી છે અને જયનિત ચોરે નામના બીજા આરોપીની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ છત્તીસગઢ રવાના થઈ હતી.