Tue Oct 06 2026

Logo

આ તો સ્કેમ છેઃ પુરુલિયામાં આર્મ્સ ડ્રોપ કરનારા પરદેશી વિમાનની ભેદી હિલચાલ

2026-09-16 10:13:00
Author: Praful Shah
આ તો સ્કેમ છેઃ પુરુલિયામાં આર્મ્સ ડ્રોપ કરનારા પરદેશી વિમાનની ભેદી હિલચાલ

પ્રફુલ શાહ

પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવા વિશે હવે કોઈ બે મત નથી. બધે બધા આરોપી, વિમાનના ક્રૂ મેમ્બર્સ અને વિમાન પણ વિદેશીઓ હોય તો બીજા પુરાવાની શું જરૂર?

આ વિમાન વિશેની ઘણી વાતો ભેદભરમથી ભરપૂર છે. ભારતની ભૂમિ પર ગેરકાયદે શસ્ત્રોની વર્ષા કરનારું એ.એન.-26 વિમાન બ્રિટનના લંડન ગેટવિક એરપોર્ટથી ઉડ્યું હતું. ઈન્ટરનેશનલ ટ્રાવેલ ન કરનારાઓની જાણકારી માટે કહેવાનું કે ગેટવિક લંડન શહેરની દક્ષિણે આવેલું એક મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાનમથક છે. એમાંય પાછું લંડનના હીથ્રો એરપોર્ટ પછી યુકેનું બીજું સૌથી મોટું અને વ્યસ્ત એરપોર્ટ છે. 

કોઈ નાના કે અજાણ્યા દેશ કે એરપોર્ટને બદલે ગેટવિક મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડનારા વિમાનમાં શું અને ક્યાં લઈ જવાઈ રહ્યું છે એની તપાસ ન થઈ હોય? ડોક્યુમેન્ટસ ચકાસાયા નહિ હોય? આમ છતાં વિમાન જોખમી સામગ્રી સાથે ઉડ્યું કોના આંખમિચામણા - આશીર્વાદથી? આ સવાલ આજેય અનુત્તર છે. કેમ?

ગેટવિકથી શસ્ત્રધારક વિમાન કરાંચી ગયું. પાકિસ્તાન શા માટે ગયું? શું હથિયારોનું લોડિગ ત્યાં કરાયું હતું? આ જ સુધી આ સસ્પેન્સ અકબંધ છે. કરાંચીથી વિમાન ભારતના વારાણસી ગયું. શા વાસ્તે? આ કાવતરા પાછળના માસ્ટર માઈન્ડ કે ભગવાન જાણે!. અહીં કોઇ તપાસ થઈ હશે? ખબર નહિ હો. વારાણસીથી એ.એન.-26 વિમાન ઉડીને પુરુલિયા ઉપર પહોંચ્યું. ત્યાંના ગામો પર હથિયારો નાખ્યા પછી વિમાન ભારતની બહાર નીકળી ગયું વાહ, ક્યા બાત હૈ. હવે તો આટલી સહેલાઇથી સરકારી બગીચામાં ય અવરજવર થઈ શકતી નથી.

અહિ વિમાનની વિચિત્રતાનો અંત આવતો નથી બલકે પરંતુ શરૂઆત થાય છે. પુરુલિયામાં હથિયારો નાખ્યા પછી પણ આ વિમાન એકદમ ભારતથી ન દૂર રહ્યું. ઊલટાનું તે ફરી ભારતની હવાઈ સીમામાં આવ્યું હતું. શા માટે? કિસી કો કુછ નહિ પતા.

ભારતીય વાયુસેનાએ વિમાનને કેવી રીતે રોક્યું?
ભારતીય સત્તાવાર વર્ણન મુજબ આ વિમાનને ઓળખવામાં આવ્યું અને તેને ઈન્ડિયન એરફોર્સના મિગ-21 દ્વારા રોકીને મુંબઈ ઉતરવાની ફરજ પડાઈ હતી. વિમાન મુંબઈમાં ઉતર્યું અને ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી. આખરે એ.એન.-26 વિમાન અંતે મુંબઈના સહાર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.

ભારતીય સત્તાવાળાઓએ આ વિમાનને રોકી દીધું. પીટર બ્લીચ અને અને લાતવિયન ક્રૂ મેમ્બર્સ પકડાઈ ગયા પરંતુ કિમ ડેવી તો ગાયબ હતો!
પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડ કેસનું સૌથી મોટું રહસ્ય એ છે કે આટલી દેશ-વિરોધી અને મોટી હથિયાર-ચોરીનો મુખ્ય આરોપી વિમાનમાંથી બહાર કેવી રીતે નીકળી ગયો? અને એરપોર્ટ કેવી રીતે છોડી ગયો?    (ક્રમશ:)