મુંબઈ: દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી પાંચ માળની રહેણાક ઇમારતમાં પાંચમા માળે આવેલી રૂમમાં ગુરુવારે સવારે આગ લાગી હતી, જેમાં મહિલાને ઇજા થઇ હતી. કોલાબામાં શહીદ ભગત સિંહ માર્ગ પર સસૂન ડોકની સામે આવેલી કિસ્મત બિલ્ડિંગમાં સવારના 7.55 વાગ્યે આગ લાગી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર ઇમારતના પાંચમા માળની રૂમમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, લાકડાનું ફર્નિચર, ખાદ્યપદાર્થ અને પડદા સુધી મર્યાદિત હતી. આગમાં પચાસ વર્ષની મહિલાની આંગળીઓમાં નજીવી ઇજા થઇ હતી અને તેણે હોસ્પિટલમાં જવાનો ઇનકાર કરી દીધો હતો.
આગની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તથા પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. સવારે 8.12 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઇ)