Fri May 08 2026

Logo

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની આવી મોટી સૌથી અપડેટ, વડોદરામાં માત્ર 2 કલાકમાં ગર્ડર લોન્ચિંગનો નવો રેકોર્ડ

2026-05-08 15:09:00
Author: Mumbai Samachar Team
Article Image

વડોદરાઃ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતની સૌથી મોટી અને સૌથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંની એક માનવામાં આવી રહી છે. આ ફક્ત એક ટ્રેન લાઇન જ નથી પરંતુ ભારતમાં હાઇ-સ્પીડ રેલવે ટેકનીકની દિશામાં એક મોટું પગલું છે. તાજેતરમાં આ પ્રોજેક્ટમાં વડોદરાના વડસર રોડ ઓવર બ્રિજ પર 40 મીટર લાંબો ગર્ડરને ફુલ સ્પેન લોન્ચિંગ મેથડ (FSLM) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું.

કેટલું ખાસ છે 2 કલાક 13 મિનિટમાં કામ પૂર્ણ કરવું
ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ એટલા માટે ખાસ છે કારણ કે તેમાં આખું માળખું (સ્ટ્રક્ચર) એકસાથે લોન્ચ કરવામાં આવે છે, જેનાથી કામ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂરું થાય છે.
આ કામ કોઈ ખાલી જગ્યા પર નહીં, પરંતુ એક અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોરમાં કરવામાં આવ્યું હતું, જ્યાં દરરોજ 100 થી વધુ ટ્રેનો અને અંદાજે 70,000 વાહનો રસ્તા પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં બાંધકામ કરવું એ પોતાનામાં જ એક મોટો પડકાર છે, પરંતુ આ કામને માત્ર 2 કલાક અને 13 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું.

508 કિમી લાંબો પ્રોજેક્ટ
આ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) પાસે છે, જે આ બુલેટ ટ્રેન કોરિડોરનો વિકાસ કરી રહી છે. આ પ્રોજેક્ટ લગભગ 508 કિલોમીટર લાંબો છે, જે મુંબઈ અને અમદાવાદને જોડે છે. અત્યાર સુધીમાં આશરે 349 કિલોમીટર વાયડક્ટ (થાંભલા પરનો પુલ) અને 443 પિલર્સ (થાંભલા)નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, 17 નદી પુલ, 5 પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) અને 13 સ્ટીલ બ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટ્રેનનો અવાજ ઓછો કરવા માટે 5.7 લાખથી વધુ નોઈઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે, જે લગભગ 288 કિલોમીટરના વિસ્તારને આવરી લે છે.

મુંબઇ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટનું કેટલું થયું કામ
ટ્રેક બિછાવવાનું કામ અત્યારે ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 374 ટ્રેક કિલોમીટર ( 187 રૂટ કિલોમીટર) પર 'આરસી ટ્રેક બેડ' તૈયાર કરી લેવામાં આવ્યો છે. આશરે 191 રૂટ કિલોમીટર જેટલો ટ્રેક સ્લેબ પણ બનીને તૈયાર થઇ ગયો છે. આમાં 74 રૂટ કિલોમીટરમાં ટ્રેક સ્લેબ બિછાવવાની સાથે 'સિમેન્ટ અસ્ફાલ્ટ મોર્ટાર' (CAM) ઇન્જેક્ટ કરવાનું કામ પણ પૂરું થઈ ગયું છે.

ઈલેક્ટ્રિકલ સિસ્ટમની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 7700 થી વધુ OHE માસ્ટ લગાવી દેવામાં આવ્યા છે, જે લગભગ 179 રૂટ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. હવે ટોપ કંડક્ટર સ્ટ્રિંગિંગનું કામ પણ શરૂ થઈ ગયું છે, જે ટ્રેનના ઈલેક્ટ્રિક સંચાલન (ટ્રેન ચલાવવા) માટે ખૂબ જ જરૂરી છે.