Mon Sep 07 2026

Logo

ગણેશોત્સવ: MSRTC બસના ગ્રુપ બુકિંગ પર 30 ટકા વધારાનો સરચાર્જ રદ, કોંકણ જનારા ભક્તોને રાહત

2026-08-21 21:52:24
Author: Mumbai Samachar Team
ગણેશોત્સવ: MSRTC બસના ગ્રુપ બુકિંગ પર 30 ટકા વધારાનો સરચાર્જ રદ, કોંકણ જનારા ભક્તોને રાહત

AI Generated Images


મુંબઈ; મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશ (એમએસઆરટીસી)એ ગણેશોત્સવ માટે બસોના ગ્રૂપ બુકિંગ પર વસૂલવામાં આવતો ૩૦ ટકા વધારાનો ચાર્જ રદ કર્યો છે, જેનાથી કોંકણ જઈ રહેલા હજારો ભક્તોને મોટી રાહત મળશે, તેમ પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.

સરનાઈકે જણાવ્યું કે દરિયાકાંઠાના કોંકણ વિસ્તારના લોકો અને ગણેશોત્સવ મંડળો દ્વારા સરચાર્જ પાછો ખેંચવાની માંગ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની સૂચના મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તહેવાર દરમિયાન દર વર્ષે મુખ્યત્વે મુંબઈ, થાણે અને પાલઘરથી પોતાના વતન જઈ રહેલા લોકો દ્વારા ગ્રૂપ બુકિંગ મારફતે લગભગ ૫,૦૦૦ એમએસઆરટીસી બસો રિઝર્વ કરવામાં આવે છે.

મુસાફરોને ઉતાર્યા પછી બસોને ખાલી પરત ફરવું પડતું હોવાથી, તેમજ વધુ ઈંધણ અને ઓવરટાઇમના ખર્ચ ઉપરાંત કોર્પોરેશન દ્વારા થતા વધારાના ખર્ચને સરભર કરવા માટે અગાઉ આ સરચાર્જ લાદવામાં આવ્યો હતો.

​સરચાર્જ પાછો ખેંચવા અંગેનું સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, તેમ સરનાઈકે જણાવ્યું હતું. તેમણે અન્ય રૂટો પર પેસેન્જર ટ્રાફિક વધારીને આ વધારાના નાણાકીય બોજની ભરપાઈ કરવા માટે એમએસઆરટીસી વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો.