વડોદરા: ગુજરાતની વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી એક નવો અભ્યાસક્રમ શરૂ કરશે. આ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ નામનું નવું મોડયુલ સામેલ કર્યું છે. આ અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇતિહાસ અને સામાજિક યોગદાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના થકી વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સમાજ પર તેની અસરનો વૈજ્ઞાનિક અભ્યાસ કરશે.
એમ.એ. સમાજશાસ્ત્રમાં વિષય ઉમેરાયો
આ અંગે એમ.એસ. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ નવો વિષય બે વર્ષના એમ.એ. સમાજશાસ્ત્ર માં "દેશભક્તિનું સમાજશાસ્ત્ર" શીર્ષક હેઠળ સમાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ વડાપ્રધાન મોદીની નેતૃત્વ શૈલી તેમજ છત્રપતિ શિવાજી મહારાજ અને સયાજીરાવ ગાયકવાડ III જેવા સમાજ સુધારકોના કાર્યોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો છે.
મેક્સ વેબરના 'કરિશ્માઇ નેતૃત્વ'ના સિદ્ધાંતને તપાસવાનો પ્રયાસ
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકોને ગમે કે ન ગમે રાજકીય ક્ષેત્રમાં અને નેતૃત્વ ભૂમિકાઓના સંદર્ભમાં પીએમ મોદીની ચર્ચા અવગણી શકાય તેમ નથી. આ એક એવું તત્વ છે જે લાંબા સમય સુધી રહેશે. અમે સમાજશાસ્ત્રી મેક્સ વેબરના 'કરિશ્માઇ નેતૃત્વ'ના સિદ્ધાંતને તપાસવાનો પ્રયાસ કર્યો છે.જે અગાઉ મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા વ્યક્તિઓમાં જોવા મળ્યું હતું. આ જ પ્રભાવશાળી નેતૃત્વ પીએમ મોદીમાં પણ જોવા મળે છે. આ એક વૈજ્ઞાનિક વિષય છે જેની તપાસ જરૂરી છે.
પીએમ મોદી આટલા લોકપ્રિય કેમ તેનો અભ્યાસ
આ ઉપરાંત ડૉ. વીરેન્દ્ર સિંહ નીતિ આયોગના યોજનાની ચકાસણીમાં પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે મોદી તત્વ અંતર્ગત, મીડિયા, ડિજિટલ રાષ્ટ્રવાદ, નાગરિકતા, અસહમતિ, વૈશ્વિકરણ અને ઓળખની રાજનીતિ જેવા વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં ચર્ચા થશે કે તે આટલા લોકપ્રિય કેમ થઇ રહ્યા છે. તેમની સ્વીકૃતિ આટલી બધી કેમ છે અને લાંબા સમય સુધી સત્તામાં રહેવા પાછળનું કારણ શું છે.