સેહવાગે મૅસેજમાં લખ્યું, `ઉપર સે શાંત, અંદર સે આગ': ફિફા વર્લ્ડ કપના ઇન્સ્ટા પેજ પર પણ માહીને શુભેચ્છા
નવી દિલ્હી/રાંચીઃ કરોડો લોકોના લાડલા ભારતીય ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોની (Dhoni)એ મંગળવાર, સાતમી જુલાઈએ 45મો જન્મદિન ઉજવ્યો હતો અને એ પ્રસંગે દેશભરમાંથી જ નહીં, વિશ્વમાં અનેક ઠેકાણેથી સોશ્યલ મીડિયામાં તેના પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ધોનીને જન્મદિવસ (Birthday)ની શુભકામના પાઠવી હતી.
મંગળવારે રાંચીમાં ધોનીના નિવાસસ્થાનની બહાર તેના અનેક ચાહકો એકત્રિત થયા હતા. તેઓ કેક અને પોસ્ટર્સ સાથે આવ્યા હતા. તેમણે પહેલાં તો માહીની શાનદાર કારકિર્દીને બિરદાવી હતી, તેની ખાસિયતોનો ઉલ્લેખ કર્યો હતો અને પછી એક ધોની-ચાહકે રાંચીના તમામ ફૅન્સ વતી ડિમાન્ડ કરી હતી કે `અમે જ્યારે પણ ધોનીને જોઈએ છીએ ત્યારે તે ફિટ દેખાય છે. તે કાયમ આવો જ રહે અને અમને પ્રેરણા આપતો રહે એવું અમે ઇચ્છીએ છીએ. તે પોતાની અંતિમ મૅચ રમે એ પહેલાં તે રાંચીમાં એક મૅચ રમે એવી તેને અમારી વિનંતી છે.
એમએસ ધોની અને વીરેન્દર સેહવાગ ભારત વતી સાથે રમતા ત્યારે તેમની વચ્ચે બહુ બનતું નહોતું એવા અગાઉ અહેવાલ આવ્યા હતા. જોકે એ કટુતા માત્ર પ્રોફેશનલ ક્રિકેટ રમવા પૂરતી જ હતી. અંગત રીતે બન્નેને એકમેક પ્રત્યે ખૂબ માન છે. સેહવાગે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર ધોનીને અનોખી સ્ટાઇલમાં હિન્દી ભાષામાં આપેલી શુભેચ્છામાં અંગે્રજી લિપીમાં આ મુજબ લખ્યું હતુંઃ `કેરલા કે પલક્કડ મેં, એક જંગલ કે અંદર એક વૉટરફૉલ હૈ જિસ કા નામ હૈ ધોની. કોઈ સીધા નહીં પહુંચ શક્તા. રાસ્તા મુશ્કિલ હૈ થોડા. ગાઇડ ચાહિયે. તીન ઘંટે ચલ કે જાઓ તબ દિખતા હૈ. ઔર જબ દિખતા હૈ? ઉપર સે બિલકુલ શાંત, અંદર સે આગ. સરફેસ સ્મૂથ, લેકિન કરીબ જાઓ તો પતા ચલતા હૈ કિતના પાવરફુલ હૈ. કેરલા ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઇસકે સાથ એક રુલ બનાયા હૈ. પાની શાંત દિખતા હૈ, હૈ નહીં. મુઝે નહીં પતા યે રુલ વૉટરફૉલ કે લિયે થા યા નં.7 કે લિયે. ઔર યે જગહ, યે ધોની કેરલા મેં તબ સે હૈ જબ મહેન્દ્ર સિંહ ધોની પૈદા ભી નહીં હુઆ થા. જૈસે નૅચર કો પહેલે સે પતા થા કોઈ આયેગા. ઐસા હી હોગા, ઐસા હી મિલેગા, મુશ્કિલ રાસ્તે કે બાદ, બિલકુલ અનએક્સ્પેક્ટેડ જગહ પે. ઔર એક બાર જો મિલ ગયા તો ભૂલના મુશ્કિલ હૈ. હૅપી બર્થ-ડે માહી...સ્ટે બ્લેસ્ડ ફૉરએવર.'
ફિફા વર્લ્ડ કપ તરફથી માહીને શુભેચ્છા
ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટરની નોકરીથી માંડીને ભારતના સર્વોત્તમ સુકાની બનવા સુધીની સફર બદલ ધોની સમગ્ર વિશ્વમાં પ્રિય છે અને અમેરિકા, કૅનેડા, મેક્સિકોમાં ચાલી રહેલા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપના પ્રસંગે ખુદ ફિફા વર્લ્ડ કપના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ધોનીને અનોખી સ્ટાઇલમાં શુભકામના આપવામાં આવી હતી. ધોનીને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ચાહકો `થાલા' (લીડર)ના હુલામણા નામે ઓળખાવે છે. ધોનીના જન્મદિનની તારીખ `7' છે અને તેનો ફેવરિટ આંકડો પણ `7' છે. ફિફાના અકાઉન્ટ પર એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો જેમાં લિયોનેલ મેસી, કીલિયાન ઍમ્બપ્પે અને અર્લિંગ હાલૅન્ડને (મંગળવાર સવાર સુધીના) ત્રણેયના આ વર્લ્ડ કપના 7-7 ગોલ બદલ એકસાથે બતાવવામાં આવ્યા હતા અને સંદેશમાં લખવામાં આવ્યું હતું, `7 ગોલ...(થાલાનો જર્સી નંબર પણ એ જ છે). હૅપી થાલા ડે.'
ઉલ્લેખનીય છે કે 2020માં (ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી એ અરસામાં) `એક્સ' પર તેના એક ચાહકે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં ગુજરાતી સહિત 30 જેટલી ભાષામાં તેને જન્મદિનની શુભેચ્છા આપવામાં આવી હતી.
ધોનીની કરીઅરની આંકડાબાજી
(1) 538 ઇન્ટરનૅશનલ મૅચ
(2) 17,266 ઇન્ટરનૅશનલ રન
(3) 16 સેન્ચુરી અને 108 હાફ સેન્ચુરી
(4) 359 છગ્ગા અને 1486 ચોગ્ગા
(5) 634 કૅચ અને 195 સ્ટમ્પિંગ
(6) 2007માં ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી
(7) 2011માં વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી
(8) 2013માં ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ
(9) 2010, 2016, 2018માં એશિયા કપના ટાઇટલ
(10) બૅટિંગ અને વિકેટકીપિંગમાં અનેક વિક્રમો.