Sun Aug 16 2026

Logo

શો-શરાબાઃ મિસ્ટર સેન્સર બોર્ડ, હિપોક્રસી કી સીમા હોતી હૈ!

2026-08-07 09:46:00
Author: Divyakant Pandya
Article Image

દિવ્યકાંત પંડ્યા


‘સ્પાઇડર-મેન’ ફરી એકવાર સાબિત કરી રહ્યો છે કે તે દુનિયાના સૌથી લોકપ્રિય સુપરહીરોમાંથી એક કેમ છે, પરંતુ આ વખતે ફિલ્મની ચર્ચા તેના એક્શન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટોરી ઉપરાંત સેન્સર બોર્ડના નિર્ણયને કારણે પણ થઈ. CBFCએ ફિલ્મમાંથી થોડા સેક્ધડના કિસિંગ સીન કાપવાનો નિર્ણય લીધો. રસપ્રદ વાત એ છે કે થોડા સમય પહેલાં ‘સુપરમેન’ સાથે પણ આવું જ થયું હતું. ત્યાં પણ રોમેન્ટિક દૃશ્યોને વધુ સેન્શ્યુઅસ ગણાવીને કાપવામાં આવ્યા હતા.


ભારતમાં ફિલ્મ સેન્સરશિપની નૈતિકતાનો માપદંડ આખરે શું છે? બે પુખ્તવયના લોકો વચ્ચેનો સહમતિથી થયેલો પ્રેમનો એક ક્ષણિક સ્પર્શ વધુ ખતરનાક છે કે પછી હિંસા, મહિલાઓનું ઓબ્જેક્ટિફિકેશન, ડબલ મીનિંગ મનોરંજન અને ઝેરી સંબંધોને રોમેન્ટિક બનાવીને રજૂ કરતી ફિલ્મ્સ?

તાજેતરના વર્ષોમાં ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ્સમાં નજર કરીએ તો આ વિરોધાભાસ વધુ સ્પષ્ટ દેખાય છે.

‘એનિમલ’ દેશની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ્સમાંથી એક હતી. ફિલ્મમાં ગોળીબાર, લોહિયાળ હિંસા, આક્રમકતા અને સ્ત્રીઓ પ્રત્યેના કેટલાક વલણોને લઈને ભારે ચર્ચા થઈ. રસપ્રદ વાત એ છે કે આવી ફિલ્મ્સ કરોડો લોકો સુધી પહોંચી શકે છે, પરંતુ ‘સ્પાઇડર-મેન’ના થોડા સેક્ધડના કિસિંગ સીનને કાતરનો સામનો કરવો પડે છે. જો આ માત્ર એકાદ ફિલ્મની વાત હોત તો કદાચ તેને અપવાદ કહી શકાત, પરંતુ ભારતીય સિનેમાનો ઇતિહાસ જોશો તો આ એક પેટર્ન છે. 


ફિલ્મના દૃશ્યો કાપવા પાછળ ચોક્કસ માપદંડ કે નિયમ જણાતો નથી. ક્યાંક કિસિંગ સીન્સ વધુ ઇન્ટેન્સ હોય, લાંબા હોય તો પણ રાખવામાં આવે છે તો ક્યાંક થોડી સેક્ધડ્સ માટે પણ કાપી નાખવામાં આવે છે. ભારતીય સેન્સર બોર્ડનું આ બેવડું વલણ ફક્ત ઇન્ટિમેટ દૃશ્યો માટે નથી. ‘ધુરંધર’માં પાકિસ્તાન સામે વર્તમાન સરકારની વાહવાહી થતી હોય ત્યારે ખુલ્લી છૂટ હોય છે, પણ ‘બેટલ ઓફ ગલવાન’ જેવી ફિલ્મ્સમાં ચીનના ડરથી ફિલ્મમાં એ દેશનું ફક્ત નામ લેવાની પણ પરવાનગી નથી મળતી.


બોલિવૂડનાં ગીતોનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. ‘મુન્ની બદનામ હુઈ’, ‘શીલા કી જવાની’, ‘ફેવિકોલ સે’, ‘બેબી ડોલ’, ‘ચિકની ચમેલી’ અને ‘ચોલી કે પીછે’ જેવાં ગીતો વર્ષો સુધી દેશના લગ્ન પ્રસંગોમાં વાગતા રહ્યા છે. બાળકો પણ આ ગીતો પર ડાન્સ કરતા હતા અને પરિવારો પણ આનંદથી તેને માણતા હતા. આ ગીતોમાં ડબલ મીનિંગ શબ્દો, સૂચક સંકેતો અને મહિલાઓને એક આકર્ષક પ્રોડક્ટ તરીકે રજૂ કરવાની પરંપરા સ્પષ્ટ જોવા મળે છે. તેમ છતાં આ ગીતો લોકપ્રિય સંસ્કૃતિનો ભાગ બની ગયા.


આ વાત માત્ર ગીતો સુધી મર્યાદિત નથી. ‘ગ્રાન્ડ મસ્તી’, ‘ક્યા કૂલ હૈ હમ’ અને આવી અનેક કોમેડી ફિલ્મ્સે વર્ષો સુધી ડબલ મીનિંગ જોક્સ અને સેક્સ્યુઅલ હ્યુમરને પોતાની ઓળખ બનાવી. ઘણા સંવાદો એવા હતા કે પરિવાર સાથે બેઠા હોઈએ તો બાળકોને સમજાવવું મુશ્કેલ પડે, છતાં આ ફિલ્મ્સને સર્ટિફિકેટ મળ્યા, દર્શકો મળ્યા અને બોક્સ ઓફિસ પણ મળી.


દક્ષિણ ભારતીય સિનેમામાં પણ આ વિરોધાભાસ ઓછો નથી. ‘પુષ્પા: ધ રાઇઝ’નું ‘ઊ અંટાવા’, ‘પુષ્પા 2’નું ‘કિસ્સિક’, ‘વિક્રાંત રોણા’નું ‘રા રા રક્કમ્મા’, ‘બીસ્ટ’નું ‘અરેબિક કુથુ’, ‘ડાકુ મહારાજ’નું ‘દાબીડી દાબીડી’ અને આવાં અનેક ગીતો છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારે લોકપ્રિય થયા છે. સમસ્યા ગીતોમાં નથી. સમસ્યા એ છે કે ઘણીવાર કેમેરા મહિલાઓને કેવી રીતે જુએ છે. ગીતની રચના, કેમેરા મૂવમેન્ટ્સ, કોસ્ચ્યુમ અને એડિટિંગ બધું જ એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ ઊભું કરવા માટે કામ કરે છે.


તાજેતરના વર્ષોમાં ઉર્વશી રૌતેલા અને જાન્હવી કપૂર માટે તેલુગુ સિનેમામાં તેમની આસપાસનો મોટો પ્રચાર તેમના અભિનય કરતાં વધુ તેમના લુક અને ગ્લેમર પ્રેઝન્ટેશન પર કેન્દ્રિત રહ્યો. અને પછી આવે છે હિંસાનો મુદ્દો. આજના સમયમાં ભારતીય સિનેમામાં હિંસા એક વેચાતી પ્રોડક્ટ બની ગઈ છે.


‘એનિમલ’, ‘કેજીએફ’, ‘પુષ્પા’, ‘સલાર’, ‘જવાન’, ‘માર્કો’ જેવી ફિલ્મ્સનો મોટો હિસ્સો હિંસા અને બદલાની ભાવના પર આધારિત છે. ટ્રેલરથી લઈને પોસ્ટર સુધી બધે જ એક જ સંદેશ હોય છે, હીરો આવશે, બધાને હરાવશે અને બદલો લેશે...દર્શકોને આ ગમે કે ન ગમે તે અલગ ચર્ચા છે, પરંતુ હકીકત એ છે કે હિંસા ઘણીવાર પ્રેમ કરતાં વધુ સરળતાથી સ્વીકારાઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે આપણા સમાજ માટે એક મુક્કો કિસ કરતાં વધુ સંસ્કારી છે.


ઘણા લોકોને યાદ હશે કે જેમ્સ બોન્ડની ફિલ્મ ‘સ્પેક્ટર’ના કિસિંગ સીન પણ ભારતમાં ટૂંકા કરવામાં આવ્યા હતા. તે વખતે પણ સોશ્યલ મીડિયા પર મજાક ઊડી હતી. વર્ષો પછી આજે ‘સુપરમેન’ અને ‘સ્પાઇડર-મેન’ને લઈને ફરી એ જ ચર્ચા થઈ રહી છે. ટેક્નોલોજી બદલાઈ ગઈ, દર્શકો બદલાઈ ગયા, જોવાની રીત બદલાઈ ગઈ, પરંતુ પ્રેમ પ્રત્યેનો સેન્સરશિપનો અભિગમ ખાસ બદલાયો નથી.


કદાચ સમસ્યા કિસિંગ સીનમાં નથી. સમસ્યા આપણા માપદંડોમાં છે. જો સેન્સર બોર્ડનું કામ ફિલ્મ્સને વર્ગીકૃત કરવાનું હોય તો તે સ્પષ્ટપણે કહી શકે કે કઈ ફિલ્મ કયા વયજૂથ માટે છે, પરંતુ જ્યારે બોર્ડ ફિલ્મ્સમાંથી પસંદગીપૂર્વક દૃશ્યો કાઢવાનું શરૂ કરે છે ત્યારે નૈતિકતાનો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે પછી લોકો પૂછે છે કે કાતર માત્ર પ્રેમ પર જ કેમ ચાલે છે?

ઓબ્જેક્ટિફિકેશન પર કેમ નહીં? ઝેરી સંબંધો પર કેમ નહીં? ડબલ મીનિંગ મનોરંજન પર કેમ નહીં? હિંસાના ગ્લોરિફિકેશન પર કેમ નહીં?  

લાસ્ટ શોટ

લોકશાહીમાં કળા પર કાતર ન ચાલે. ફિલ્મ્સને સેન્સર નહીં, સર્ટિફાય કરવી જોઈએ.
 
- કમલ હાસન