આજે 15મી ઓગસ્ટના જ્યારે આપણે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે થિયેટર્સમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પર બનેલી સની દેઓલની ફિલ્મ 'બંટવારા 1947' અને ઈમરાન હાશ્મીની 'આવારાપન ટુ' બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ગદર અને બંટવારા પહેલાં પણ 27 વર્ષ પહેલાં ભારત-પાકિસ્તાનના વિભાજન પર આધારિત એક ફિલ્મ આવી હતી અને તેણે દર્શકોને હચમચાવી દીધા હતા. ચાલો જોઈએ કઈ છે આ ફિલ્મ અને શું છે એની હિસ્ટ્રી...
સામાન્ય રીતે ભારત-પાકિસ્તાન ભાગલા પર આધારિત ફિલ્મોની વાત આવે ત્યારે લોકોના મનમાં સની દેઓલની 'ગદર' સૌથી પહેલાં આવે છે. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાગલા સમયની ક્રૂર વાસ્તવિકતા, રક્તપાત અને ઊંડી વેદનાને સૌથી સચોટ રીતે રજૂ કરનારી ફિલ્મ તરીકે આમિર ખાન અભિનીત '1947 અર્થ' (1947 Earth)ને ગણવામાં આવે છે, જેણે 27 વર્ષ પહેલાં દર્શકોને હચમચાવી દીધા હતા.
વર્ષ 1999મામાં રિલીઝ થયેલી આ પીરિયડ ડ્રામા ફિલ્મ જાણીતી લેખિકા બાપસી સિધવા ની પ્રખ્યાત નવલકથા 'ક્રેકિંગ ઈન્ડિયા' (Cracking India) પર આધારિત હતી. ફિલ્મમાં આમિર ખાન (દિલ નવાઝ - આઈસ્ક્રીમવાલા) ની સાથે નંદિતા દાસ અને રાહુલ ખન્ના જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તમારી જાણકારી માટે આ ફિલ્મમાં 1947માં ભાગલા દરમિયાન લાહોર શહેરમાં મિત્રતા, પ્રેમ અને માનવતા કેવી રીતે ધર્મના નામે વેરવિખેર થઈ જાય છે અને લોકો કેવી રીતે હિંસાના રસ્તે ચડી જાય છે, તેની હૃદયદ્રાવક રજૂઆત કરવામાં આવી હતી.
બોલીવૂડ હંગામાના અહેવાલ અનુસાર, 27 વર્ષ પહેલાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 0.26 કરોડ અને પ્રથમ સપ્તાહમાં રૂપિયા 1.61 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું લાઈફટાઈમ ઈન્ડિયા નેટ કલેક્શન રૂપિયા 3.80 કરોડ અને ઈન્ડિયા ગ્રોસ કલેક્શન રૂ.5.28 કરોડ રહ્યું હતું. જ્યારે ઓવરસીઝમાં ફિલ્મે રૂ. 2.93 કરોડની કમાણી કરી હતી. જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મે કુલ રૂ.8.21 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. માત્ર રૂપિયા 4.75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 72.84 ટકા જેટલો જંગી નફો કમાવ્યો હતો.
શા માટે ગણાય છે સૌથી વાયોલન્ટ ફિલ્મ?
'1947 અર્થ'માં ભાગલા સમયે થયેલા રમખાણો, માનસિક ક્રૂરતા અને યાતનાઓને કોઈપણ ગ્લેમર વગર અત્યંત વાસ્તવિક રીતે દર્શાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં આમિર ખાનના નેગેટિવ શેડવાળા પાત્ર અને અંતિમ સીન્સ દર્શકોના રુંવાડા ઊભા કરી દે તેવા હતા. આ જ કારણ છે કે બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ફિલ્મને સિનેમા ઈતિહાસની સૌથી શક્તિશાળી પાર્ટીશન ડ્રામા ફિલ્મોમાં ગણવામાં આવે છે.