Mon Aug 17 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામત 14 અબજ ડૉલર ઉછળીને 707 અબજ ડૉલર

2026-08-15 19:54:37
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત સાતમી ઑગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 14.136 અબજ ડૉલર ઉછળીને 707.002 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 10.512 અબજ ડૉલર વધીને 692.866 અબજ ડૉલરના સ્તરે રહી હતી. 

અત્રે નોંધનીય બાબત એ છે કે અગાઉ ગત 27મી ફેબ્રુઆરીના રોજ વિદેશી હૂંડિયામણની અનામત વધીને 728.494 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર કરેલા હુમલા અને ત્યાર બાદ ઈરાને પણ ઈઝરાયલ તથા અમેરિકાના સહયોગી અખાતી દેશો પર વળતા હુમલાઓ કરતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા અને ક્રૂડતેલના ભાવ વધતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે સમયાંતરે ફોરેક્સ માર્કેટમાં રિઝર્વ બૅન્કની ડૉલરમાં વેચવાલી રહેતાં અનામતમાં ઘટાડો થતો રહ્યો હતો. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 9.946 અબજ ડૉલર વધીને 574.625 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય મુખ્ય ચલણો સામે થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 3.995 અબજ ડૉલર વધીને 108.738 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેનાં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 7.9 કરોડ ડૉલર વધીને 18.745 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 11.6 કરોડ ડૉલર વધીને 4.894 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.