Fri Sep 04 2026

Logo

ગટરમાંથી નીકળ્યું 85 કરોડનું સોનું! બેલ્જિયમમાં નાળું ખોદતા મજૂરોને હાથ લાગ્યો અણધાર્યો ખજાનો

Brussels   2026-08-15 19:50:42
Author: Devayat Khatana
ગટરમાંથી નીકળ્યું 85 કરોડનું સોનું! બેલ્જિયમમાં નાળું ખોદતા મજૂરોને હાથ લાગ્યો અણધાર્યો ખજાનો

બ્રસેલ્સ: બેલ્જિયમના સિન્ટ-ગિલિસ-ડેન્ડરમોન્ડે શહેરમાં સામાન્ય ગટરના સમારકામ દરમિયાન કરોડો રૂપિયાનો પ્રાચીન ખજાનો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અહીં મજૂરો સીવર લાઇન બિછાવવા માટે ખોદકામ કરી રહ્યા હતા, તે દરમિયાન જમીનની અંદર વર્ષોથી છુપાયેલો કિંમતી ખજાનો હાથ લાગ્યો હતો.

મળેલા આ ઐતિહાસિક ખજાનામાં મોટા પ્રમાણમાં સોનાના સિક્કા, સોનાના બિસ્કિટ અને અત્યંત કિંમતી લગડીઓ મળી આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ખજાનાનું બજાર મૂલ્ય અંદાજે 9 મિલિયન યુરો એટલે કે ભારતીય ચલણમાં આશરે 80 થી 85 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. 

આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વેકેશન દરમિયાન પાર્ટ ટાઇમ મજૂરી કરી રહેલા એક 18 વર્ષીય વિદ્યાર્થીને એક જૂની બીયર ફેક્ટરી નજીક નાળું ખોદવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન તેની કોદાળી માટી અને ભોંયરાની જૂની દીવાલ પાછળ રહેલી કોઈ ધાતુની વસ્તુ સાથે અથડાઈ હતી. શરૂઆતમાં વિદ્યાર્થી અને તેના સાથી કામદારોને લાગ્યું કે આ કોઈ સામાન્ય સિક્કા કે ધાતુ હશે, પરંતુ વધુ ઊંડાણમાં માટી હટાવતાં જ સોનાની ચમકદાર લગડીઓ અને પ્રાચીન કાળના સિક્કાઓ બહાર આવવા લાગ્યા હતા.

ખજાનો મળ્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને કેટલાક લોકોએ પોતાની રીતે પણ ખજાનો શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે બહાર કાઢવામાં આવેલા તમામ ખજાનાને સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.

ઇતિહાસકારો અને પુરાતત્વ નિષ્ણાતોના મતે, આ ઐતિહાસિક ખજાનો ઓગણીસમી સદીનો હોવાનું અનુમાન છે. આ ખજાનાનો સંબંધ તે સમયની જાણીતી બીયર ફેક્ટરીના માલિક સાથે હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે તે યુગમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અથવા આર્થિક અસુરક્ષાના ભયથી તેમણે પોતાની આજીવન કમાણી ભોંયરાની દીવાલમાં ચણીને છુપાવી દીધી હશે, જે દાયકાઓ સુધી દીવાલ પાછળ દબાયેલી રહ્યા બાદ હવે અચાનક સામે આવી છે.