Thu Oct 01 2026

Logo

માનસ મંથન: ઈર્ષા ને દ્વેષ માણસના આનંદનું આયુષ્ય ઓછું કરે છે...

2026-09-21 08:36:00
Author: Morari Bapu
માનસ મંથન: ઈર્ષા ને દ્વેષ માણસના આનંદનું આયુષ્ય ઓછું કરે છે...

 

- મોરારિબાપુ

 બહુ જૂની સૌરાષ્ટ્રની કથા છે. એક ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો. ખૂબ ભાવુક અને સાધુ-સંતો પ્રત્યે શ્રદ્ધા રાખનાર પરિવાર. એ ખેડૂતે પોતાના ખેતરમાં એક નવો કૂવો બનાવ્યો. વિચાર્યું કે કોઈ સંત પાસે ઉદ્દ્ઘાટન કરાવું. એની ઈચ્છા હતી કે આ નવા કૂવાનું ઉદ્દઘાટન તો કોઈ મહાત્માના હાથે જ કરાવવું. રોજ તપાસ કરે કે ગામમાં કે આસપાસમાં કોઈ સાધુ-સંત, ફકીર આવ્યા છે? જો આવે તો મારો મનોરથ પૂરો થાય. એવામાં કોઈ મસ્તરામ સંત મળી ગયા. ખેડૂતે ઈચ્છા વ્યક્ત કરી કે મેં મારા ખેતરમાં એક નવો કૂવો બનાવ્યો છે અને આપ મારા નવા કૂવાનું ઉદ્દઘાટન કરો. મહાત્માએ પૂછ્યું કે `હું કૂવાનું ઉદ્દ્ઘાટન કેવી રીતે કરું, હું અંદર પડું?' ખેડૂત કહે `નહિ, નહિ, આપ એમાંથી એક બાલદી પાણી કાઢીને સ્નાન કરો, જલપાન કરો, બસ, પછી આપણે એમાંથી પાણી ઉપયોગ માટે લઈશું.' મહાત્માએ કહ્યું કે `ભલે, તારા નવા કૂવાનું આપણે ઉદ્દઘાટન કરશું.' ખેડૂત પરિવાર રાજી રાજી થઇ ગયો. ખેડૂતે પૂછ્યું `કે ક્યારે ઉદ્દઘાટન રાખીશું?' મહાત્મા કહે `આવતા સોમવારે સવારે નવ વાગ્યે રાખીશું.'

જે દિવસે આ કાર્યક્રમ નક્કી થયો તે દિવસે શનિવાર હતો. ખેડૂતે મહાત્માને વિનંતી કરી કે, `બાપજી, આપ મારે ત્યાં બે દિવસ રોકાઈ જાવ ને.' એ પરિવારનો ભાવ જોઈ મહાત્માએ એને ત્યાં રોકવાની સંમતિ આપી. બીજે દિવસે એટલે કે રવિવારે સાંજે ખેડૂતને થયું કે કાલે સવારે ઉદ્દઘાટન છે, ગામલોકો પણ આવશે, લાવ ખેતરમાં જઈને જોઈ લઉં કે બધું બરાબર છે ને? પણ આ શું? કૂવા પાસે જઈને જુએ તો કૂવામાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હતી. અરે ! કેમ આમ ? પાસેના ખેતરના લોકોએ કહ્યું કે તમે બે દિવસ ખેતરમાં આવ્યા નહીં ત્યારે બે કૂતરાં લડતા લડતા આવ્યા હતા. તે બે કૂતરાં અંદર પડી ગયા ને મરી ગયા લાગે છે અને તેની આ દુર્ગંધ આવે છે. પેલો બિચારો ખૂબ મૂંઝાઈ ગયો. ખેડૂતને થયું કે કાલે તો ઉદ્દ્ઘાટન છે ને હવે કેમ થશે? ચાલો, બાબાને પૂછું. ઘેર આવી મહાત્માને વાત કરી. મહાત્માએ કહ્યું, `કંઈ વાંધો નહિ, થોડું પાણી સીંચીને કાઢી નાંખો. અને જો તારે ત્યાં અથવા આડોશી-પડોશીનાં ઘરમાં ગંગાજળ, જમુનાજળ હોય તેનો કૂવામાં છંટકાવ કર, આવું તો બને.' ખેડૂત અને તેનો આખો પરિવાર કામે લાગી ગયો. આખી રાત પાણી કાઢવાનું કામ કર્યું. કોઈને ત્યાંથી મળ્યું એટલું ગંગાજળ, જમુનાજળ પણ કૂવામાં નાખ્યું.
બીજે દિવસે સવારે મહાત્માને લઈને ખેતર પર પહોંચે છે પણ જોયું કે કૂવામાંથી દુર્ગંધ તો એવી ને એવી આવતી હતી. મહાત્માએ કહ્યું કે `મેં તને પાણી કાઢી નાખવા કહ્યું હતું.' કહે કે આખી રાત કાઢ્યું ને ગંગાજલ પણ છાટ્યું છે. મહાત્માએ પૂછ્યું કે `પેલા બે કૂતરાં કાઢ્યા કે નહિ? કહે કે, એ તો નથી કાઢ્યા!' 

सोचनीय सबहीं बिधि सोई ।
जो न छाडि छलु हरि जन होई ॥

બાપ, લાખ ગંગાજળ, જમુનાજળ નાખો, પાણી ઉચેલો, પણ જ્યાં સુધી રાગ-દ્વેષરૂપી કૂતરાં ન કાઢો,ત્યાં સુધી આપણે જાગૃત નથી; સૂતેલા જ છીએ, રાગ-દ્વેષ ત્યાં સુધી જીવિત છે. હું ને તમે આપણી ભૂમિકા પરથી વિચારીએ. રાગ અને દ્વેષમાં જ્યાં સુધી આપણે રમમાણ રહીશું,આપણે સૂતેલા જ છીએ. કથા સાંભળીએ છીએ,ભજન પણ કરીએ છીએ,વ્યાખ્યા કરીએ છીએ,કલાકો સુધી બોલીએ છીએ,યજ્ઞ કરીએ છીએ,તપ કરીએ છીએ,તીર્થયાત્રા કરીએ છીએ. બધું કરીએ છીએ,પણ રાગ,દ્વેષ જો ન મટ્યા તો સમજો કે આપણે હજી સૂતેલા જ છીએ,આપણે જાગૃત નથી. હું ફરી વાર કહું કે,રાગ અને દ્વેષ પણ છે અને આપણે ભજન કરીએ છીએ તો ભજનનું ફળ તો મળશે પણ રસ નહીં મળે ! રસ વગરનું ફળ શું કામનું ?જ્યાં સુધી રાગ-દ્વેષ જીવનમાં રહે છે ત્યાં સુધી એક પ્રકારનું સૂવાનું જ છે. કોઈ પણ પાપ જાગૃતિમાં થઈ શકતું જ નથી. પાપ સદૈવ સૂતેલો માણસ જ કરી શકે છે. જાગેલો પાપ કેવી રીતે કરે ? ભવિષ્ય અને ભૂતકાળના અનુસંધાનમાં જીવે તે એક પ્રકારે સૂતેલો જ છે. બીજાના આધાર પર પ્રસન્ન થાય,ઉધાર પ્રસન્નતા છે. એ સૂતેલો છે. વાત વાતમાં ક્રોધ કરે,અકારણ ક્રોધ કરે તે સૂતેલો છે. લોકોની સમસ્યા છે કે ક્રોધ બહુ આવે છે. ક્રોધને થોડો અવસર આપી દો,મુદત નાખી દો કે પાંચ મિનિટ પછી ક્રોધ કરીશ,તમે નહીં કરી શકો. આવો સુંદર અવસર મળ્યા પછી પણ જે જાગૃત નથી અને જે હરિ નથી ભજતો તે સૂતેલો છે. 

હું યુવાન ભાઈઓ-બહેનોને ખાસ કહું છું કે રામકથા સાંભળ્યા બાદ બીજું કંઈ કરો કે ના કરો, પરંતુ ઈર્ષા, દ્વેષ અને નિંદાથી દૂર રહેવું. તમે રામ નામનો જપ કરો, કૃષ્ણ નામનો જપ કરો, કોઈ શાસ્ત્રનું વાંચન કરો તો વ્યાસપીઠ પરથી આપને નમન, પરંતુ એ કંઈ પણ ન કરી શકો તો ચિંતા નહીં ; યુવાન શ્રોતા ભાઈઓ-બહેનો, મારી `માનસ વાટિકા'ના ફ્લાવર્સ, હું એટલી અપીલ કં છું કે કોઈની ઈર્ષા ન કરો. હું ડરાવવા માટે નથી કહેતો, ઘણા અનુભવો બાદ કહું છું કે ઈર્ષા માણસનું આયુષ્ય ઓછું કરે છે. આયુષ્ય ઘટે કે વધે એની મને ખબર નથી પરંતુ ઈર્ષા આનંદનું આયુષ્ય ઓછું કરી નાખે છે, પ્રસન્નતાનું આયુષ્ય ખતમ કરી નાખે છે. દ્વેષ દુ:ખમાં વૃદ્ધિ કરે છે. અને નિંદા વિશે તો શું કહું? તો સાવધાન રહેવું. ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા એ ત્રણ જો બંધ થઈ જાય તો સૌથી મોટી પૂજા થઈ જશે, સૌથી મોટી સાધના થઈ જશે.

ઈર્ષા, દ્વેષ અને નિંદા એ ત્રણેયમાંથી ધીરે ધીરે ક્રમશ: સફળતા ત્યારે મળે છે જ્યારે કોઈ બુદ્ધ પુષનાં ચરણોમાં આપણી નિષ્ઠા થઈ જાય છે. હું મારી યાત્રામાં જોઈ રહ્યો છું કે આજે લોકોની શરણાગતિ બિલકુલ વ્યભિચારિણી થઈ ચૂકી છે ! ફોટો પડાવવા માટે, કોઈની બાજુમાં બેસવા માટે કે ક્યારેક એવું બધું કરવા માટે માણસો ગમે ત્યાં જાય છે ! સન્માન સૌને આપો, પરંતુ શરણાગતિ કેવળ એકની જ રાખો. મને ત્રિભુવનનું રાજ મળે તો પણ હું તલગાજરડાના ત્રિભુવનને ન છોડું. આપણા ગુ,આપણા ગુ છે. કોઈ તમને બાંધી ન દે એટલા માટે કોઈ એક મહાપુષના આશ્રયમાં રહો કે જેથી આપણે આપણી જાતને ખોઈ ન નાખીએ. આપણે આપણી નિજતાને જાળવી રાખીએ. મારી આસપાસ એવા ઘણા લોકો છે સાહેબ! હું જોઉં છું કે એ લોકો ભટકી રહ્યા છે ! એ બિચારા ક્યારેય શાંત નહીં થઈ શકે ! આપણી વ્યભિચારિણી ભક્તિ ક્યાં ક્યાં દોડાદોડ કરાવે છે ! ડાળી ન છોડો. ડાળી સાથે ફળ જોડાયેલું હોય કે ન જોડાયેલું હોય, કોઈ ફરક નથી પડતો. પરંતુ જોડાયેલા ફળને પકવવાની વૃક્ષની જવાબદારી છે. એવી રીતે બુદ્ધ પુષની જવાબદારી છે કે જે મારી સાથે જોડાયેલા છે એને હું પરિપક્વ કરી અને રસમય બનાવીને છોડીશ. આ શરણાગતિનો સિદ્ધાંત છે.

- સંકલન જયદેવ માંકડ