Tue Sep 01 2026

Logo

માનસ મંથનઃ ઐશ્વર્યનો અનુભવ અભાવમાં થાય છે

2026-08-31 07:39:00
Author: Morari Bapu
માનસ મંથનઃ ઐશ્વર્યનો અનુભવ અભાવમાં થાય છે

 

મોરારિબાપુ

જલન માતરીનો શેર છે-
‘શ્રદ્ધાનો જો હો વિષય, તો પુરાવાની શી જરૂર?
કારણ કે કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.’  
તમામ આચાર્યોએ બધાએ કહ્યું છે કે આદો શ્રદ્ધા!  બિલકુલ આદિમાં શ્રદ્ધા છે. શું ભગવાન કૃષ્ણને આપણે જોયા છે? કૃષ્ણએ આપણા માટે ક્યારેય મનીઓર્ડર મોકલ્યો છે કે તમને તકલીફ છે, તો લ્યો આ એક હજાર રૂપિયા આપું! છતાં કેમ લોકો ભજે છે? 5000 સાલ થઈ ગઈ, છતાં આ માણસ સૌને મારી રહ્યો છે. એના નામથી, એના ગુણથી અને એના કથનથી. ભીતરથી બધાને સમાપ્ત કરી રહ્યા છે! કોઈએ એમને જોયા નથી. ઈતિહાસના પાના પર, શાસ્ત્રોના પાના પર વર્ણન લખાયું છે, તો પણ કેમ આજે આપણે એમને પુકારીએ છીએ? મને યાદ આવી રહ્યા છે શબ્દ,

મરહુમ મીરઝા ગાલિબના, એની બીબીએ ગાલિબને પૂછ્યું કે તમે સઝદો નથી કરતા? તમે પૂજાપાઠ નથી કરતા? બંદગી નથી કરતા, આટલા મોટા કવિ છો. કવિને રામાયણમાં સંત, ભાગવતમાં સાધુ, ગીતામાં ઈશ્વરની વિભૂતિ કહી છે. હસતા હસતા એમણે બીબીને કહ્યું હતું કે હું સઝદો નથી કરતો, પણ તું જાણે છે ને કે હું શિકાયત પણ નથી કરતો. મેં કદી ખુદાને ફરિયાદ કરી કે તું ને મુજે એ નહિ દિયા, એ કિયા? બાપ! થોડું વિચારો, સુખ મળ્યું છે, મળી રહ્યું છે, મળતું રહેશે. સમજના અભાવમાં આપણે સુખને દુ:ખની સંજ્ઞા આપી રહ્યા છીએ.

આપ વિચારોને રામકથા મળી જાય છે, કૃષ્ણકથા મળી જાય છે. ઉત્સવ મળી જાય છે. કેટલા સંત, સાધુપુરુષો પરિવ્રાજક બનીને દેશ-વિદેશમાં ભગવાનના ચરિત્રના ગાન કરતા રહે છે, છતાં તમે બીજા ક્યાં સુખની અપેક્ષામાં છો? સુખ પછી મળશે, ઈશ્વર ઉધાર નથી રાખતાં. હું પુરા વિશ્વાસની સાથે બોલી રહ્યો છું. હમને તો ઉનકો પાયા હૈ. તમારી તમે જાણો. અને ધ્યાન આપજો. હા,જરૂર ગ્રંથોએ કહ્યું છે કે સુખ દુ:ખની પાછળ ઈન્સાનના કર્મ કામ કરી રહ્યા છે,એ હું માનું છું. પણ એક વાત નહિ ભૂલો,સુખ પાઓ તો તમારા કર્મથી નથી મળતું,મળ્યું હશે તો મળ્યું હશે,પણ મારી વ્યાસગાદીને પૂછો તો એ અર્જુનદેવના શબ્દો સાથે સહમત છે.

રહેમ તેરી સુખ પાયા...
સુખ પાયા, સુખ પાયા,
ગાઓ, ધન્યવાદ આપો અસ્તિત્વને, આભાર વ્યક્ત કરો એ પ્રભુનો, તે બહુ સુખ આપ્યું. નાનકની એક માત્ર અરજી છે. નાનકે ફક્ત એક વાત કરવાની છે કે સુખ પાયા, સુખ પાયા

એવી બોલીમાં કબીર કદી બોલ્યા હતા, કહ કબીર મૈં પૂરા પાયા. (પૂરા કા પૂરા પાયા). તો હું કહી રહ્યો હતો, જેનાં વિયોગમાં રડવું આવે,આંસુ વરસે,એ જ તો જીવન છે. એનાથી એટલું અંત:કરણ શુદ્ધ થાય છે,તેટલું બીજા કોઈ સાધનથી નથી થતું. વેદાંતમાં અંત:કરણ શુદ્ધ કરવાની જેટલી મોટી વિધિ બતાવી છે,યોગ આદિમાં જે રસ્તા બતાવ્યાં છે,પણ આપણા  જેવા સંસારી કેવી રીતે કરી શકશે? તેથી કૃષ્ણપ્રેમમાં રડો. 

તમારી આંખોમાં અકારણ દુકાળ ન પડે આંસુઓનો, તેથી ગોપીગીતને પકડ્યું છે. બોલવાનું સારું લાગ્યું, એટલે શરૂ1 કરી દીધું,બીજું શું? તો ગોપીગીત, કુસંગ, સુસંગ, છોડો,ગોપીગીત અસંગનો સંગ કરાવી દે છે અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વસ્તુનો અભાવ વર્તાય,ત્યારે વસ્તુનું મૂલ્ય વધે છે. આ દુનિયાદારીનો,વ્યાપારીઓને યે રિવાજ છે, જગતનો મહિમા છે. મહિમા ત્યારે વધે, જ્યારે અભાવ વર્તાય,જ્યારે ગેરમોજૂદગી થાય ત્યારે મહિમાનું ફૂલ ખીલે છે.

જેની પાસે કરોડો રૂપિયા છે,અરબો,ખરબો,એને રૂપિયાનો મહિમા સમજમાં નહીં આવે. રૂપિયાનો મહિમા ત્યારે સમજાય,જ્યારે જીવનમાં સંકટ પેદા થઈ જાય. ઘરમાં બધા પ્રકારની સગવડો છે, કોઈની પાસે નથી,એટલી સુવિધાઓ છે, તો એનો મહિમા સમજમાં નહિ આવે. જેટલો મહિમા સમજમાં આવશે,વસ્તુઓના અભાવમાં આવશે. વ્યક્તિ કેટલી મહાન હતી, કેટલી સારી હતી, પ્રેમાળ હતી, ખરાબ હતી, જો હો તે, જ્યાં સુધી છે, ત્યાં સુધી એના મહિમાની ખબર નથી પડતી. એના અભાવમાં,એની ગેરમોજૂદગીમાં એની જાણ થાય છે, એ સર્વસામાન્ય સિદ્ધાંત છે.

તેથી શ્રીકૃષ્ણ અંતર્હિત થયા, ત્યારે એના ઐશ્વર્યની ખબર પડી. न खलु गोपिकानन्दनोभवान । એ ઐશ્વર્યસૂચક વાણી ગોપીઓના શ્રીમુખે ફૂટી છે, અભાવનો મહિમા છે. બાકી તો અમારો છોરો છે, અમારી સાથે નાચે છે,અમે એને માખણ બતાવીએ તો અમારા છાણના ટોપલાં ઉઠાવે છે, એવા આ નાનકડા બાળકમાં શું રાખ્યું છે? પણ ઐશ્વર્યનો અનુભવ અભાવમાં થાય છે,ઉપસ્થિતિમાં નહીં થાય. જ્યારે અભાવ પકડે છે અને ભગવાન શ્રીકૃષ્ણની એ મધુર યોજના હતી,એ વ્રજાંગનાઓને હું થોડો વખત માટે અદૃશ્ય થાઉં તો મારા અભાવમાં મારા મહિમાની જાણ કરું,એવી ચેષ્ટા કરું. આ ચોથો શ્ર્લોક ઐશ્વર્યમય શ્ર્લોક છે,વેદાંત પ્રતિપાલક શ્ર્લોક છે. એમાં વેદાંતની પરિભાષા છે.

પ્રસંગની ભૂમિકા તમે સમજો. જીવનમાં અભાવની જરૂરત છે. ઘરમાં કેટલીયે શાકભાજી,રોટલી પડી હોય તો એની કિંમત નથી સમજાતી. પણ જ્યારે કોઈ રોટી ન હો,એક રોટીને માટે તડપ ઊઠે, ત્યારે કિંમત સમજાય. 

इश्वरः सर्वभूताना। ઘટઘટમાં બેઠો છે. કહેવાનું એ છે કે એ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે અભાવમાં મહિમા વધે છે. પણ ખબર નહિ,આપણા  જીવનમાં એ કેવું દુર્ભાગ્ય છે કે પ્રભુનો અભાવ મહેસૂસ થાય છે,આપણે એને જોયા નથી,જાણ્યા નથી. છતાં ગોપીની જેમ ઐશ્વર્યનો અનુભવ કેમ નથી થતો? એ ગોપી આપણને શીખવે.

‘રામચરિતમાનસે’ ઠીક પ્રતિપાદિત કરી લીધું, ભગવાનના સ્મરણનો એટલો મહિમા નથી, છે,પણ જ્યારે કષ્ટ થાય સાધકને કે હું એને ભૂલી ગયો, તેથી ગોસ્વામીજીએ એમાં મહોર લગાવી.

कह हनुमंत विपति प्रभु सोई | जब तव सुमिरन भजन न होई ॥

તો વસ્તુ, વ્યક્તિ, ઘટના, પદાર્થ, પૈસા, એના અભાવમાં મહિમા વધી જાય છે, એ સિદ્ધાંત સિદ્ધ થઈ જાય છે. પ્રભુના અભાવમાં એનો મહિમા આપણને કેમ નથી સમજાતો? એનું એટલું વિસ્મરણ કેમ? કેટલું ભૂલી ગયા છીએ અમે એને? છતાં અહીં ગોપીઓ માટે જે મહિમા નથી પ્રગટતો,એ અમારા જીવનમાં કેમ પ્રગટ નથી થતો? અને એ નથી પ્રગટતો, એ પ્રગટાવવા માટે ગોપીઓએ ગાયું છે. 

(સંકલન : જયદેવ માંકડ)