Sat May 02 2026

Logo

મીરા રોડના ફ્લૅટમાંથી નોકરાણીનો મૃતદેહ મળ્યો: ગુમ માલિકે હત્યા કર્યાની શંકા

2026-03-26 18:27:25
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મીરા રોડાના ફ્લૅટમાંથી રહસ્યમય સંજોગોમાં 40 વર્ષની નોકરાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. નોકરાણીના શરીર પર ઇજાનાં નિશાન હોવાથી ફ્લૅટમાં ભાડેથી રહેતા યુવાને હત્યા કર્યાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. ઘટના બાદથી ગુમ યુવાનની પોલીસ શોધ ચલાવી રહી છે.

મીરા રોડ પોલીસના જણાવ્યા મુજબ હત્યા કરાયેલી મહિલાની ઓળખ સુમન તરીકે થઈ હતી. મહિલા મીરા રોડના સિલ્વર પાર્ક નજીકના એક કૉમ્પ્લેક્સમાંના અમુક ફ્લૅટમાં કામ કરતી હતી, જેમાંથી એક ફ્લૅટમાંથી બુધવારની સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એ ફ્લૅટમાં બે યુવાન ભાડેથી રહેતા હતા. બન્ને યુવાન અને નોકરાણી પાસે ફ્લૅટની ચાવી રહેતી હતી. સાંજે એક યુવાન આવ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.
મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરાઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચે પણ હાથ ધરી હતી. કહેવાય છે કે ફ્લૅટમાં રહેતા બેમાંથી એક યુવાન ઘટના બાદથી ગુમ હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. જોકે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. પોલીસ કૉમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.