ફ્રાન્સ નૉકઆઉટમાં, 3-0ની જીતમાં 100મી મૅચવાળા ઍમ્બપ્પેના બે ગોલ: નોર્વેને હાલૅન્ડે જિતાડ્યું
ફિલાડેલ્ફીયા/ન્યૂ યોર્ક: ફિફા વર્લ્ડ કપમના ગ્રૂપ-આઈમાં બે મહત્વની મૅચ રમાઈ ગઈ જેમાં ફ્રાન્સ (France)એ વન-સાઇડેડ મુકાબલામાં ઈરાકને 3-0થી હરાવીને અને નોર્વેએ રોમાંચક ટક્કરમાં સેનેગલને 3-2થી હરાવીને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. એ પહેલાં, સોમવારે રાત્રે આર્જેન્ટિનાએ મેસીના બે ગોલની મદદથી નૉકઆઉટમાં એન્ટ્રી કરી હતી. નૉકઆઉટ રાઉન્ડમાં 32 ટીમ રમશે. એ પહેલાં આ ટૂર્નામેન્ટની 16 ટીમ બહાર થઈ ગઈ હશે.

એમ્બપ્પેના મિરોસ્લાવ જેટલા 16 ગોલ
ફ્રાન્સે ઈરાકને 3-0થી હરાવ્યું એમાં કીલિયાન ઍમ્બપ્પેના બે ગોલ સામેલ હતા. તેની આ 100મી આંતરરાષ્ટ્રીય મૅચ હતી. તેણે 14મી મિનિટમાં અને પછી 54મી મિનિટમાં ગોલ કર્યો હતો. એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ઍમ્બપ્પેના નામે હવે કુલ 16 ગોલ છે. સોમવારે રાત્રે મેસીએ જર્મનીના જે લેજન્ડ (મિરોસ્લાવ ક્લૉઝ)નો 16 ગોલનો વિશ્વવિક્રમ તોડયો ત્યાર બાદ એમ્બપ્પે (Mbappe)એ મિરોસ્લાવના 16 ગોલની બરાબરી કરી લીધી હતી.
વરસાદના વિઘ્ન વચ્ચે ઈરાક સામે રમાયેલી મૅચમાં ફ્રાન્સનો ત્રીજો ગોલ બલોં ડી ઑર અવૉર્ડ વિજેતા ખેલાડી ઉસ્મૅન ડેમ્બેલેએ 66મી મિનિટમાં કર્યો હતો. ફ્રાન્સની મજબૂત સંરક્ષણ દીવાલને કારણે ઈરાકના અટૅકર્સને એક પણ ગોલ નહોતો કરવા મળ્યો.
નોર્વે 28 વર્ષે નૉકઆઉટમાં
ગ્રૂપ-આઈની મૅચમાં ડિફેન્ડર માર્કસ પેડરસને સેનેગલની ડિફેન્સ ભેદીને 43મી મિનિટમાં મૅચનો પહેલો ગોલ કર્યો હતો. નોર્વેને 1-0થી સરસાઈ મળ્યા બાદ 48મી મિનિટમાં અર્લિંગ હાલૅન્ડે ગોલ કરીને સરસાઈ 2-0ની કરી આપી હતી. સેનેગલના ઈસ્માઈલા સારે 53મી મિનિટમાં ગોલ કર્યો હતો અને ત્યારે સ્કોર નોર્વેની તરફેણમાં 2-1 હતો.
જોકે પાંચ જ મિનિટ પછી હાલૅન્ડ ફરી ત્રાટકયો હતો અને 58મી મિનિટમાં તેણે ગોલ કરીને નોર્વેને સરસાઈ 3-1ની કરી આપી હતી. મુખ્ય મૅચની 90 મિનિટ પછી ત્રીજી મિનિટે (કુલ 93મી મિનિટમાં) ઈસ્માઈલા સારે બીજો ગોલ કર્યો હતો અને સ્કોર 3-2 રહ્યો હતો. જોકે ત્યાર પછીની ગણતરીની ક્ષણોમાં વધુ કોઈ પણ ગોલ ન થતાં છેવટે નોર્વે 3-2થી વિજય મેળવીને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને સેનેગલની ટીમ હવે વર્લ્ડ કપની બહાર થઈ જવાની તૈયારીમાં જ છે.
આજે રોનાલ્ડોના પોર્ટુગલની વધુ એક મૅચ
ભારતીય સમય અનુસાર આજે રાત્રે 10:30 વાગ્યે પોર્ટુગલનો ઉઝબેકિસ્તાન સામે મુકાબલો છે. પાછલી મૅચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ નહોતો કરી શક્યો એટલે આજે હવે સૌની નજર તેના પર જ રહેશે.
અલ્જીરિયાએ જોર્ડનને 2-1થી હરાવ્યું
ગ્રૂપ-જેમાં અલ્જીરિયાએ જોર્ડને 2-1થી હરાવીને 32 ટીમવાળા નૉકઆઉટના પ્રવેશની સંભાવના જીવંત રાખી હતી. આર્જેન્ટિના આ ગ્રૂપમાંથી નૉકઆઉટમાં પહોંચી ગયું છે.