Sat Apr 25 2026

Logo

મહેસાણામાં મતદાન પૂર્વે લોહિયાળ ખેલ, ભાજપ ઉમેદવારના સંબંધીની કરપીણ હત્યા

2026-04-25 10:21:00
Author: MayurKumar Patel
Article Image

મહેસાણાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન મહેસાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નં-4માં ભાજપના ઉમેદવારના સંબંધીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી.  શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગત રાત્રે બબાલ થઈ હતી. જેમાં વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારના સંબંધી પર  કેટલાક ઈસમોએ છરી, લાકડી અને પાઈપ વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. જેના કારણે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત બે લોકો ઘાયલ થયા હતા.

મતદાન પહેલા જ લોહિયાળ ખેલ ખેલાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. પોલીસનો મોટો કાફલો  તાવડીયા ગામે તૈનાત કરાયો હતો. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક યુવક તથા તેના મિત્રો માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમની ગાડી આંતરીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઈજા થવાથી એકનું મોત થયું હતું અને તેના સાથી મિત્રને ઈજા થતાં સારવાર હેઠળ છે. હાલ તપાસ ચાલી રહી છે.

મહેસાણમાં મતદાનની કેવી છે તૈયારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લામાં કુલ 1723 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે 1423, નગરપાલિકાઓ માટે 131 અને મહેસાણા મહાનગરપાલિકા માટે 169 મતદાન મથકોનો સમાવેશ થાય છે. સુરક્ષા અને માનવબળની વાત કરીએ તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ જવાનો, નગરપાલિકા વિસ્તાર માટે 799 પોલિંગ સ્ટાફ અને 382 પોલીસ જવાનો તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ સ્ટાફ અને 395 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 

ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે જિલ્લામાં કુલ 218 રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. દિવ્યાંગ મતદારોની સુગમતા માટે સમગ્ર જિલ્લામાં 852 વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કટોકટીના સમયે ત્વરિત સહાય મળી રહે તે હેતુથી સમગ્ર જિલ્લામાં 74 એમ્બ્યુલન્સ પણ તહેનાત રાખવામાં આવી છે.