અમદાવાદઃ અમેરિકાના વર્જિનીયામાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગુજરાતી મહિલા મેઘના પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. મૂળ મહેસાણાના વતની મહિલાનાં ગામ જંત્રાલમાં માતા-પિતા સહિતનો પરિવાર રહે છે મીડિયા અહેવાલો અનુસાર સંપૂર્ણ ગામ ઘટના બાદ શોકમાં ગરકાવ થઈ ગયું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે એક દાયકા પહેલા સારા ભવિષ્ય માટે અમેરિકા તે ગઈ હતી અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે અને તેનો પતિ અલગ અલગ સ્ટોરમાં કામ કરતા હતા. ગામલોકોના જણાવ્યા અનુસાર તે શાંત અને મહેનતું હતી.
મેઘના દસ વર્ષ પહેલા પતિ ઉપેન્દ્ર પટેલ અને બે સંતાન સાથે અમેરિકામાં શિફ્ટ થઈ હતી. પરિવારના જણાવ્યા અનુસાર માત્ર 30 મિનિટ પહેલા જ મેઘના સ્ટોરમાં પહોંચી હતી. ત્યારબાદ બુકાનીધારી શૂટર આવ્યો અને માત્ર 26 સેકન્ડમાં તેણે મેઘનાને ઢાળી દીધી. પરિવારને એવી માહિતી પણ મળી હતી કે આ વિસ્તારમાં એકાદ કલાક પહેલા પણ આવી હત્યાની એક ઘટના બની હતી. પરિવારની ઈચ્છા છે કે દીકરીનાં હત્યારા પકડાય અને તેમને ન્યાય મળે.
અમેરિકી પોલીસે તપાસ હાથ ધરી છે. તેઓ સીસીટીવી ફૂટેજ સાથે ત્યાં હાજર લોકોની પૂછપરછ કરી રહ્યા છે. પ્રાથમિક રીતે જોતા લૂંટફાંટના ઈરાદે શૂટર આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ વ્યક્તિગત દુશ્મની કે અન્ય કોઈ કારણને પણ નકારી રહ્યું ન હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું. વર્જિનીયા અને અમેરિકામાં વસતો ગુજરાતી સમુદાય પણ શોકમગ્ન હોવાનું અહેવાલ જણાવે છે.