મહેસાણા: નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં પક્ષ પ્રત્યેની વફાદારીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપતા રમેશભાઈ ભીલ હવે કોર્પોરેટર બન્યા છે. ભાજપે તેમને વોર્ડ નંબર-૧૩ માંથી ટિકિટ આપી હતી, જ્યાં રમેશભાઈ સહિત ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. લગભગ ત્રણ દાયકાથી પક્ષના કાર્યાલયમાં પાયાનું કામ કરનારા એક સામાન્ય કાર્યકરને નગરના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢીને ભાજપે પક્ષ પ્રત્યેની સમર્પિતતાની કદર કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે રમેશભાઈને ભાજપે ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમણે પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૨૮ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમના કામની કદર કરવા બદલ તેઓ પક્ષના અત્યંત ઋણી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ભાજપે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, તેમાં રમેશભાઈની પસંદગી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમની જીત એ પાયાના કાર્યકરો માટે એક મોટું પ્રોત્સાહન પૂરવાર થઈ છે.
જો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક ચોંકાવાનારા પરિણામો સામે આવ્યા છે. કેટલાક જાણીતા ચહેરાઓની હાર થઈ છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ પર ખરાબ રીતે હારી હતી. લાઠી તાલુકાની ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના પુત્રી સોનલબેન ડેર ભાજપની ઉમેદવાર હતી. આ બેઠક પરથી કોંગ્રેસના શાંતિબેન ડેર વિજેતા બન્યા હતા. સોનલબેન ડેર અમરેલી જિલ્લા ભાજપના કદાવર આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે. ઉલ્લેખનીય છે કે ડેર પરિવારનો આ બેઠક પર વર્ષોથી પ્રભાવ રહ્યો હતો, ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની પણ આ વિસ્તારમાંથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે આ વર્ષે કોંગ્રેસે આ બેઠક પર ડેર પરિવારનો દબદબો તોડ્યો છે.
જો કે બીજી તરફ લોધિકા જીલ્લા પંચાયતની સીટ ઉપર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાની જીત થઈ છે તેમજ ઉના પાલિકામાં મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટને પણ જીત મળી છે. બીજી તરફ પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાની શામળાજીની ઓડ બેઠક પર હાર થઈ છે. પૂર્વ IPSની 2700 જેટલા મતેથી હાર થઈ હોવાના અહેવાલ છે.