Wed Jul 29 2026

Logo

ઈરાનમાં વધતા સંઘર્ષ મુદ્દે ભારતનું મોટું નિવેદન: નાગરિક સુરક્ષા અને વેપારી જહાજોના રક્ષણ માટે કરી અપીલ...

2026-03-03 18:22:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભારત સરકારે ઈરાન અને ખાડી ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને સંયમ જાળવવા, તણાવ ટાળવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા આગ્રહ કર્યો છે. ભારત સરકારનું માનવું છે કે રમઝાનના પવિત્ર મહિનામાં આ ક્ષેત્રની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત આ વિવાદને વહેલી તકે ઉકેલવા અને વાતચીત તથા રાજદ્વારી માર્ગ અપનાવવા પર ભાર મૂકે છે. હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તે બાબતે ભારતે દુઃખ વ્યક્ત કર્યું છે. ભારત સરકાર ઈચ્છે છે કે આ સંઘર્ષ વધુ ન વકરે અને શાંતિની સ્થાપના થાય.

ખાડી ક્ષેત્રમાં વસતા અંદાજે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા જયસ્વાલે જણાવ્યું હતું કે તેમની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તાજેતરના હુમલાઓમાં કેટલાક ભારતીયોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે, જે ગંભીર બાબત છે. 

આ ઉપરાંત, ભારત વેપાર અને ઊર્જા પુરવઠા માટે આ માર્ગ પર નિર્ભર હોવાથી, મર્ચન્ટ શિપિંગ એટલે કે માલવાહક જહાજો પર થતા હુમલાઓનો પણ ભારતે સખત વિરોધ કર્યો છે, કારણ કે આવી અવરોધક પ્રવૃત્તિઓની ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.