Sat Apr 25 2026

Logo

ખાણ-ખનિજની ટીમ પર રોફ જમાવનાર માણસાનો કુખ્યાત ભૂમાફિયા પાસા હેઠળ જેલભેગો

2026-04-25 20:39:38
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
 ગાંધીનગરના માણસાના પુંધરા ગામે ગેરકાયદે ખનિજ વહનની તપાસ કરીને પરત ફરી રહેલી ભૂસ્તરશાસ્ત્રીની ટીમનો ફિલ્મી ઢબે પીછો કરી જીવનું જોખમ ઊભું કરનાર કુખ્યાત ભૂમાફિયા દિગ્વિજયસિંહ ઉર્ફે ડિગો ચાવડાને આખરે પોલીસે પાસા હેઠળ જેલભેગો કર્યો હતો.

ગત ફેબ્રુઆરી માસના રોજ ગાંધીનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તપાસ કરીને પરત ફરી રહી હતી ત્યારે ઈશ્વરપુરા પાસે નંબર પ્લેટ વિનાની ગાડીઓ દ્વારા અધિકારીઓનો પીછો કરવામાં આવ્યો હતો. આ ભૂમાફિયાએ રસ્તામાં વારંવાર હોર્ન મારવા છતાં સાઈડ ન આપી અધિકારીઓની ગાડી આગળ-પાછળ પોતાની કાર દોડાવી હતી, એટલું જ નહીં, તપાસ ટુકડીના મહિલા સુપરવાઈઝરનો છેક ઇન્ફોસિટી સુધી પીછો કરી અધિકારીઓની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.

આ ગંભીર ઘટના બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને દિગ્વિજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીન પર મુક્ત થયા બાદ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા પોલીસ માટે તે માથાનો દુખાવો બન્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા જ પોલીસે ડિગો ચાવડાની અટકાયત કરી તેને કચ્છની પાલારા ખાસ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી.