Thu Oct 01 2026

Logo

નવી 'રામાયણ'નું ગીત રિલીઝ થતાં જ મનોજ મુંતશિરે શેર કર્યું 'આદિપુરુષ'નું ગીત, યુઝર્સે પૂછ્યા સવાલો

2026-09-15 21:16:55
Author: Mumbai Samachar Team
નવી 'રામાયણ'નું ગીત રિલીઝ થતાં જ મનોજ મુંતશિરે શેર કર્યું 'આદિપુરુષ'નું ગીત, યુઝર્સે પૂછ્યા સવાલો

નવી દિલ્હી: બોલીવુડના જાણીતા ગીતકાર અને સંવાદ લેખક મનોજ મુંતશિર ફરી એકવાર સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાના પર આવ્યા છે. નીતીશ તિવારીની બહુચર્ચિત આગામી ફિલ્મ 'રામાયણ'નું પહેલું ભક્તિમય ગીત 'જય જય રામ' રિલીઝ થતાં જ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

જોકે, આ ગીત બહાર આવ્યાના ગણતરીના કલાકોમાં જ મનોજ મુંતશિરે પોતાની જૂની વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ'નું 'રામ સિયા રામ' ગીત સોશિયલ મીડિયા પર રી-શેર કર્યું હતું. તેની આ પોસ્ટ સામે આવ્યા બાદ નેટિઝન્સે તેમની નિયત પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા પર 'આદિપુરુષ'નું ગીત શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, "રામ-સિયાની કરુણ કહાની, એક છે ચંદન, એક છે પાણી." જોકે મનોજે પોતાની આ પોસ્ટમાં નવી ફિલ્મ 'રામાયણ' કે તેના ગીત અંગે કોઈ સીધો ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ જે ટાઈમિંગ પર તેમણે આ ગીત શેર કર્યું તે લોકોની નજરમાં તરત જ આવી ગયું હતું. નેટિઝન્સે આ પોસ્ટને નવી રામાયણની લોકપ્રિયતા સામેની તેમની અકળામણ તરીકે જોઈ હતી.

સોશિયલ મીડિયા પર યુઝર્સે મનોજ મુંતશિરને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નહોતી. અનેક યુઝર્સે કમેન્ટ સેક્શનમાં સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, "શું તમને નવી 'રામાયણ'ના ગીતની સફળતા જોઈને બળતરા (જેલસી) થઈ રહી છે?" એક યુઝરે આકરા પાણીએ લખ્યું કે, "તમારાથી બીજાની ખુશી સહન થતી નથી, એ પણ આપણા રામજીનું જ ગીત છે તો તમને શું વાંધો છે?" જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, "રાવણની લંકા પણ એટલી નહીં બળી હોય જેટલી આ એક ગીત આવવાથી તમારી બળી રહી છે."

આ વિવાદ વચ્ચે નેટિઝન્સે મનોજ મુંતશિરને વર્ષ ૨૦૨૩માં આવેલી ફિલ્મ 'આદિપુરુષ'ના ટપોરી જેવા ડાયલોગ્સ અને વિવાદાસ્પદ દ્રશ્યોની યાદ પણ અપાવી હતી. પ્રભાષ અને કૃતિ સેનન સ્ટારર 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારે તેના નબળા વીએફએક્સ અને સંવાદોને કારણે દેશભરમાં ભારે જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. 

જોકે, મનોજ મુંતશિરે પાછળથી આ ભૂલ બદલ દેશવાસીઓની જાહેરમાં માફી માગી હતી અને સ્વીકાર્યું હતું કે 'આદિપુરુષ' તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી, છતાં લોકો હજુ સુધી તે વિવાદ ભૂલ્યા નથી.

બીજી તરફ, નીતીશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું નવું ગીત 'જય જય રામ' રિલીઝ થતાં જ લોકોના દિલ જીતી રહ્યું છે. આ ગીતને એ. આર. રહેમાને કંપોઝ કર્યું છે, જ્યારે તેના બોલ ડો. કુમાર વિશ્વાસે લખ્યા છે અને તેને અરિજીત સિંહ તેમજ શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના પાત્રમાં અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. આ ગીતમાં દર્શાવવામાં આવેલી શ્રદ્ધા અને ભક્તિભાવની સરખામણી કરીને લોકો 'આદિપુરુષ'ની આકરી ટીકા કરી રહ્યા છે.

તેમ છતાં મનોજ મુંતશિરે આ રી-શેર પાછળ પોતાનો કોઈ ઈરાદો હજી સુધી સ્પષ્ટ કર્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેને નવી રામાયણની સફળતા સામેની તેમની અદેખાઈ જ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 'આદિપુરુષ' જેવી ફિલ્મ બનાવ્યા પછી પણ મનોજ મુંતશિર પોતાની ભૂલોમાંથી પાઠ શીખવાને બદલે આવી હરકતો કરીને ફરી એક વાર લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે.