અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અનેક દિગ્ગજોની બાદબાકી કરવામાં આવી છે, તો કેટલાક જાણીતા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં સેનેડા ફેમ સિંગર સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉના નગરપાલિકા વોર્ડ 7માંથી ઉમેદવારી નોંધાવશે. જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉનાના અલ્પેશભાઈ બાંભણીયા સાથે લગ્ન કર્યા છે.
રાજલ બારોટ ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધૂ હોવાથી સ્થાનિક સ્તરે તેમને મોટું સમર્થન મળે તેવી શક્યતા છે. ભાજપે ગ્લેમર અને સ્થાનિક પ્રભુત્વના સમન્વય સાથે આ બેઠક જીતવા માટે ચોક્કસ રણનીતિ ઘડી છે.રાજલ બારોટની એન્ટ્રીથી ઉના નગરપાલિકાની આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ચાહકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક
રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ થયો છે.7 વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું હતુ. 13 વર્ષની થઈ ત્યારે પિતાનું અવસાન થયું હતું. મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાયા છે. રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. પિતાના પગલે ચાલીને રાજલ પણ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યૂઝ મળે છે.
2025માં કર્યા હતા લગ્ન
રાજલ બારોટે ફેબ્રુઆરી, 2025માં ઉનાના અલ્પેશ બાંભણીયા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્ન પ્રસંગમાં કિંજલ દવે, ગીતા રબારી સહિત અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા. લગ્ન બાદ જ્યારે રાજલ બારોટ ઉના સાસરે પહોંચી ત્યારે બાંભણિયા પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મણિરાજ બારોટનો સનેડો આજે પણ નવરાત્રીમાં છે લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે, એક સમયે મણિરાજ બારોટ ડાયરામાં પણ રમઝટ બોલાવતા હતા. પાટણમાં એક રસ્તાને સ્વ. મણિરાજ બારોટ માર્ગ નામ પણ આપવામાં આવ્યું છે. જેના પરથી તેમની લોકપ્રિયતાની ખબર પડે છે.મણિરાજ બારોટનું સનડે સનડો ગીત આજે પણ નવરાત્રીમાં રમઝટ મચાવે છે. મણિરાજના કાર્યક્રમમાં આવવા માટે લોકો ખટરા, જીપ ભરી ભરીને પહોંચતા હતા. એટલે કે, તે સમયે ગુજરાતી અભિનેતા જેટલું મણિરાજ બારોટનું નામ હતું.