Fri Jul 24 2026

Logo

NEET વિરોધમાં જોડાયો ઓસ્ટ્રેલિયાથી આવેલો યુવક! એક લાખની ટિકિટ ખર્ચીને ભારત આવવાનું જણાવ્યું અનોખું કારણ!

2026-07-24 20:26:30
Author: Darshana Visaria
Article Image

દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક વિરોધમાં ચાલી રહેલું આંદોલન હવે વૈશ્વિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને લગતા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં એક યુવક એવો દાવો કરી રહ્યો છે કે તે માત્ર આ પ્રોટેસ્ટમાં ભાગ લેવા માટે ૧ લાખ રૂપિયાની એર ટિકિટ ખરીદીને ખાસ ઓસ્ટ્રેલિયાથી દિલ્હી આવ્યો છે!

આ વાયરલ વીડિયો જાણીતા કન્ટેન્ટ ક્રિયેટર સાર્થક ગોસ્વામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે, જે હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે યુવક સાર્થક ગોસ્વામીને પોતાનું ઓસ્ટ્રેલિયન આઈડેન્ટિટી કાર્ડ બતાવે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આટલો મોટો ખર્ચ કરીને માત્ર આ આંદોલન માટે ભારત આવવાનું કેમ નક્કી કર્યું? અને શું તેણે પોતે નીટ કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે?

ત્યારે તે યુવકે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે તેણે બી.ટેક (B.Tech)નો અભ્યાસ કર્યો છે અને તેને નીટ પરીક્ષા સાથે કોઈ સીધો સંબંધ નથી. તેણે જણાવ્યું કે તે માત્ર એટલા માટે આવ્યો છે કારણ કે તેને લાગે છે કે સરકાર અતિશય કડકાઈ વર્તી રહી છે અને વિદ્યાર્થીઓ કે પ્રદર્શનકારીઓની વાત સાંભળી રહી નથી. તેમણે ઉમેર્યું કે છેલ્લા 18 દિવસથી એક વ્યક્તિ ભૂખ હડતાળ પર બેઠી છે, તેથી તે તેમનો અવાજ બુલંદ કરવા પહોંચ્યો છે.

જોકે, આ વાઈરલ વીડિયો બાબતે કોઈ પણ ઓફિશિયલ માહિતી મળી શકી નથી કે ન તો આ વીડિયો ક્યારનો છે એ બાબતે કતોઈ માહિતી મળી શકી. આ વાઈરલ વીડિયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કમેન્ટ કરી રહ્યા છે.