Thu Jun 11 2026

Logo

વડોદરામાં તૈયાર થયેલું C-295 ફ્લાઈંગ ટેસ્ટમાં પણ પાસ, ટૂંક સમયમાં IAF શરૂ કરી શકે સર્વિસ ઑપરેશન

2026-06-11 10:02:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશની સેના માટે અનેક એવા સુરક્ષા સંબંધી અને હુમલાલક્ષી ડિવાઈસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હથિયાર તૈયાર કરવાથી લઈને સુરક્ષા માટેના ઉપકરણ સુધી અનેક ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન દેશમાં ડંકો વગાડી રહ્યા છે. હવે વિમાન બનાવવામાં પણ ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતના મહાનગર વડોદરા સ્થિત ટાટા એરબસ ફેસેલિટી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા મેઈડ ઈન ઈન્ડિયાC-295 મિલિટરી ટ્રાંસપોર્ટ વ્હીકલ એરક્રાફ્ટે પોતાની પહેલી સફળ ઉડાન ભરી લીધી છે. 

કેટલા કરોડની ડીલ હતી?
આ સાહસને ભારતના મિલિટરી એવિએશન એમ્બિશન અંતર્ગત એક ગેમ ચેન્જર તરીકે જોવામાં આવે છે, જોકે ભારત માટે આ એક માઈલસ્ટોન સમાન સિદ્ધિ છે. વિમાન નિર્માણના ઈતિહાસમાં ભારતની ધરતી પર પહેલીવાર એવું બન્યું છે કે, દેશના ખાનગી સાહસ દ્વારા કોઈ સૈન્યના વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું  હોય, એની પહેલી ફ્લાઈટ પણ સફળ રહી હોય અને તે સર્વિસમાં જોડાઈ રહ્યું હોય. ભારતે એરબસ સાથે કુલ 56 C-295 વિમાન માટે આશરે 21935 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. સમજુતી અનુસાર, પ્રથમ તબક્કામાં 16 વિમાન સ્પેનથી સીધા ફ્લાઈ અવે સ્થિતિમાં ભારત લાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 40 વિમાનનું નિર્માણકાર્ય સંપૂર્ણ રીતે વડોદરા સ્થિત ટાટાએરબસ પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. 

શાનદાર સફળતા
વડોદરાની ધરતી પર તૈયાર થયેલું આ વિમાન મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની એક શાનદાર સફળતા છે. સિદ્ઘિ છે. ભારતીય વાયુસેનાએ પણ નિર્માણકાર્ય સાથે જોડાયેલી સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સેનાના અધિકારીએ કહ્યું હતું કે, આ સફળતા એરોસ્પેસ ક્ષેત્રમાં ભારતની વધી રહેલી શક્તિને દર્શાવે છે. દેશની સુરક્ષા માટેની તૈયારીઓને એક વધુ મોટી અને મહત્ત્વની ઊંચાઈ મળવા જઈ રહી છે. ટાટા એડવાન્સ સિસ્ટમ અને યુરપિયન દિગ્ગજ કંપની એરબસની આ ભાગીદારી ભારતમાં રક્ષા ઉત્પાદન અંતર્ગત થનારા નિર્માણકાર્યનો નવો અધ્યાય લખી રહી છે. બે ટર્બોપ્રોપ એન્જિનથી લેસ આ વિમાન દુર્ગમ વિસ્તાર, નાના રન-વે તથા ખરબચડા રસ્તેથી સરળતાથી ઉડાન ભરી શકે છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં અને બોર્ડર વિસ્તારમાં સામાન પહોંચાડવા માટે આ સક્ષમ છે.

સર્વિસ ઑપરેશનમાં જોડાઈ શકે
ભારતીય વાયુ સેનામાં જૂના થઈ ગયેલા વિમાનનું સ્થાન આવા નવા વિમાનો લઈ શકે છે. જેનું કામ દુર્ગમ વિસ્તારમાં જરૂરી સામાન પહોંચાડવા તથા સૈન્યની ટુકડીઓને બોર્ડર વિસ્તારમાં ડ્રોપ આઉટ કરવા માટે થઈ શકે છે. ખાસ કરીને યુદ્ધ જેવી કટોકટી સ્થિતિમાં તે કામ આવી શકે છે. આ વિમાન ઉડાન પરીક્ષણમાં નક્કી કરેલા માપદંડમાં પાસ થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં તેને સર્વિસમાં ઑપરેશન હેતું લઈ જવામાં આવી શકે છે, જોકે આ અંગે સૈન્ય તથા એરફોર્સે ખાસ કોઈ વિગત શૅર કરી નથી. એ વાત નક્કી છે કે, આ પ્રકારના વ્હિકલ યુદ્ધ વખતે અને ખરા સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.