કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) નાં ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રા પર એક રેસ્ટોરન્ટની બહાર ભીડ દ્વારા ઇંડા ફેંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ ઘટનાનો વીડિયો શેર કરીને ભાજપના કાર્યકરો પર હુમલાનો સીધો આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં એક રેસ્ટોરા બહાર ભારે હોબાળો થયો હતો. ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રા જ્યારે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે રેસ્ટોરાંમાં બેઠા હતા, ત્યારે બહાર જમા થયેલી ભીડમાંથી કેટલાક લોકોએ તેમની પર ઇંડા ફેંકવાનું શરૂ કર્યું હતું.
ઘટનાના અલગ-અલગ વીડિયો વાયરલ થયા
એક વીડિયો બહાર રસ્તા પરથી શૂટ કરાયો છે, જેમાં કેટલીક મહિલાઓ અને પુરુષો સૂત્રોચ્ચાર કરતા અને મોઇત્રા તરફ ઇંડા ફેંકતા નજરે પડે છે. આ દરમિયાન નજીકના રોડ પર ટ્રાફિક પણ ચાલુ હતો. બીજો વીડિયો જે મહુઆ મોઇત્રાએ પોતે રેકોર્ડ કરેલો તેમાં દેખાય છે કે રેસ્ટોરન્ટની કાચની બારીઓ પર સતત ઇંડા આવીને અથડાઈ રહ્યા છે. મહુઆ મોઇત્રા અંદર બેસીને પોતાના મોબાઇલથી આ આખી ઘટના કેદ કરી રહ્યા છે.
Currently being attacked by @bjp4india goons with @wbpolice watching on.@MamataOfficial @RahulGandhi @akhliesh @supriya_sule @mkstalin @ArvindKejriwal pic.twitter.com/eD2gYU0NPx
— Mahua Moitra (@MahuaMoitra) July 1, 2026
વીડિયોમાં મહુઆ મોઇત્રાએ કહ્યું કે, આ હુમલો ભાજપના કાર્યકરો દ્વારા પ્લાન કરવામાં આવ્યો છે અને ત્યાં હાજર પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે. જોકે, આ ગંભીર આરોપો પર ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. એટલું જ નહીં પરંતુ તેમણે ડીજીપી અને અન્ય તમામ અધિકારીઓને ફોન કર્યો છે, પરંતુ પોલીસ અને સીઆરપીએફ બધું શાંતિથી જોઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ કોઈ પહેલી ઘટના નથી જેમાં ટીએમસી નેતા પર ભીડ દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં. આ પહેલા અભિષેક બેનર્જી સહિત ટીએમસી નેતાઓ પર ઇંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘણી ઘટનાઓ બની હતી. આ પહેલા, 7 જૂને, મિદનાપુરમાં ટીએમસી નેતા સુજોય હાજરાના વાહન પર બદમાશોએ ઇંડા ફેંક્યા હતા.
કોલકાતાના કાઉન્સિલર બપ્પાદિત્ય દાસગુપ્તા અને મોહમ્મદ જસીમુદ્દીન પર પણ ઇંડા ફેંકવામાં આવ્યા હતા. 18 જૂને ઉદયન ગુહાને પણ આવી જ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મામલે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.