દરિયાકિનારે સતત ધ્રૂજતી જમીન પાછળનું વૈજ્ઞાનિક સત્ય અને મુંબઈ-થાણે માટે ચેતવણી
મુંબઈઃ કોલમ્બિયામાં વિનાશક ભૂકંપને કારણે સેંકડો લોકોના મોત થયા છે, જ્યારે અગાઉ વેનેઝુએલામાં હજારો લોકો ભૂકંપને કારણે મોતને ભેટ્યા હતા. અત્યારે દુનિયામાં કોલમ્બિયાથી લઈને જાપાન સુધીની સરકારોને વધતા ધરતીકંપના આંચકાઓએ ચિંતામાં નાખ્યા છે. બીજી બાજુ ભારતમાં પણ ગુજરાતના કચ્છથી લઈ મહારાષ્ટ્રમાં પણ છાશવારે આવતા ભૂકંપે વૈજ્ઞાનિકો માટે અનેક સવાલો ઊભા કર્યા છે, જ્યારે મહારાષ્ટ્રના પાલઘરના ભૂકંપના આંકડાએ સૌને ચોંકાવ્યા છે. આઠ વર્ષમાં 10,000થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલને લઈ સવાલ થયો છે કે મોન્સૂન, ફોલ્ટ અને અર્થક્વેક સ્વાર્મથી વારંવાર ધરતીના પેટાળમાં એવું શું થઈ રહ્યું છે.
20 દિવસમાં છ ભૂકંપના આવ્યા આંચકા
મહારાષ્ટ્રના દરિયાઈ કિનારાના પાલઘર જિલ્લામાં સોમવારની રાતના એક કલાકમાં 3.4 તીવ્રતાના બે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં પહેલો રાતના 10.04 વાગ્યે આવ્યો હતો, જ્યારે બીજો રાતના અગિયાર વાગ્યે આવ્યો હતો. બંને ઝટકાની તીવ્રતા એકસમાન હતી. આ એકાદ વખતની ઘટના બની નથી. વીતેલી 21 જુલાઈથી લઈને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં છ ભૂકંપના આંચકા આવ્યા છે, જ્યારે ગયા મહિને પણ ત્રણ આંચકા આવ્યા હતા.
અત્યાર સુધીમાં પાલઘર જિલ્લામાં કેટલા ભૂકંપના આંચકા
પાલઘર જિલ્લામાં ભૂકંપ આવવાનું પ્રમાણ નિરંતર ચાલુ છે, જે અઠવાડિયાથી નહીં, પણ વર્ષોથી ચાલી રહ્યું છે. નવેમ્બર 2018ના પહેલા સૌથી શક્તિશાળી આંચકો આવ્યો હતો, જેમાં 13 ડિસેમ્બર, 2019ના સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 2024 સુધીમાં 10,000થી વધુ માઈક્રો અર્થક્વેક અનુભવાયા હતા. એક સ્ટડીમાં જણાવ્યા મુજબ નવેમ્બર, 2018 પછી જિલ્લા અને એની આસપાસના વિસ્તારમાં અર્થક્વેક સ્કેલ 1.5થી 3.8ની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય જર્નલ અનુસાર પાલઘરમાં ડિસેમ્બર 2018 અને મે, 2024 વચ્ચે 10,000થી વધુ ભૂકંપ આવ્યા છે, જેની તીવ્રતા 4.1થી ઓછી હતી.
પાલઘર કઈ પ્લેટ પર વસેલું છે અને વારંવાર આવે છે ભૂકંપ
વૈજ્ઞાનિક દૃષ્ટિએ પાલઘર ભારતીય પ્લેટ પર સ્થિત છે, જે ઉત્તર-પૂર્વ દિશા તરફ ખસકી રહી છે અને એશિયાઈ પ્લેટથી ટકરાઈ રહી છે. ભૂકંપ માટેના બે મહત્ત્વના વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. જ્યારે કોઈ વિસ્તારમાં વિના કોઈ મુખ્ય ભૂકંપના સ્થળે વારંવાર નાના-નાના ધરતીકંપના આંચકા આવે તો એને અર્થક્વેક સ્વાર્મ કહે છે, જે 2018થી પાલઘર પસાર થઈ રહ્યું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે પાણી જમીનની અંદર ઊંડે સુધી ઊતરી જાય છે. આ પાણી જમીનની અંદર રહેલી જૂની તિરાડો સુધી પહોંચી જાય છે. જેમ જેમ અંદર પાણી ભરાતું જાય છે, તેમ તેમ તે ખડકો (પથ્થરો) પર દબાણ વધારે છે. આ દબાણને કારણે જમીનની અંદર રહેલા પથ્થરો એકબીજા પરથી લપસે છે, જેનાથી ધરતીકંપ (ભૂકંપ)ના આંચકા આવે છે. આ જ કારણ છે કે પાલઘરમાં ચોમાસા દરમિયાન અને વરસાદ પૂરો થયા પછી તરત જ ભૂકંપના આંચકા વધુ અનુભવાય છે.
કેટલા લોકોને અસર થઈ શકે
પાલઘર જિલ્લામાં વર્તમાન જનસંખ્યા 30થી 35 લાખની વચ્ચે છે. જિલ્લામાં દહાણુ, તલાસરી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના રહેવાસીઓ સીધા પ્રભાવિત થઈ શકે છે. એના સિવાય મુંબઈ, થાણે સુધી પણ એની અસર જોવા મળી શકે છે. ત્રણથી ચાર તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થઈ રહ્યું નથી, પરંતુ આ જ કંપન બહુમાળી ઈમારતો, સરકારી અથવા ઔદ્યોગિક એકમ તથા મહત્ત્વના પ્લાન્ટને અસર કરી શકે છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેને લઈ ભૂસ્તરશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય બન્યો છે.