Tue Jun 23 2026

Logo

કૃષિ લોન માફી માટે વીસ હજાર કરોડ સહિત કુલ 97,706 કરોડની પૂરક માગણીઓ

2026-06-22 17:37:56
Author: Vipul Vaidya
Article Image

મહારાષ્ટ્ર સરકારે ચોમાસુ સત્રના પહેલા દિવસે જ માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ: રાજ્યની તિજોરી પર 74,817.66 કરોડ રૂપિયાની કૃષિ લોન માફી યોજનાના 20,552 કરોડ રૂપિયા સહિત કુલ 97,706.40 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોમવારે વિધાન સભામાં માંડવામાં આવી હતી. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કૃષિ લોન માફી પહેલેથી જ વિવાદમાં સપડાઈ છે. વિપક્ષ ઓછામાં ઓછી ટેક્નિકલ શરતો સાથે સંપૂર્ણ કૃષિ લોન માફીની માગણી કરી રહ્યું છે અને એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે તો આ મહિનાના પ્રારંભમાં ‘કડક’ શરતો દૂર કરવા માટે ભૂખ હડતાળ પણ કરી હતી. 

કુલ પૂરક માગણીઓમાંથી, અનિવાર્ય ખર્ચ માટે 13,825.71 કરોડ રૂપિયા, કાર્યક્રમ સંબંધિત ખર્ચ માટે 66,559.40 કરોડ રૂપિયા અને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓ હેઠળ ઉપલબ્ધ ભંડોળ દ્વારા ટેકો આપવા માટે 17,321.29 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

કુલ માગણીઓ 97,706.40 કરોડ રૂપિયાની હોવા છતાં, ગોઠવણો અને વસૂલાતને કારણે સરકારી તિજોરી પર વાસ્તવિક નાણાકીય બોજ ફક્ત 74,817.66 કરોડ રૂપિયાનો થશે, એમ સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર નોંધમાં જણાવાયું છે.

કૃષિ લોન માફી યોજના - પુણ્યશ્ર્લોક અહિલ્યાદેવી હોળકર શેતકરી કર્જમુક્તિ યોજના, 2026 માટે પ્રસ્તાવિત સૌથી મોટી ફાળવણીમાં 20,552 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

કેન્દ્રની રાજ્યોને મૂડી રોકાણ માટે વિશેષ સહાય યોજના હેઠળ વ્યાજમુક્ત લોન માટે રૂ. 10,007.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ના લોન અને વ્યાજની ચુકવણી માટે વધુ 8,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સરકારે વિકાસ ભારત-ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) કાર્યક્રમ માટે 7,367.32 કરોડ રૂપિયા અને સરકારી કચેરીઓના વીજળી બિલની ચુકવણી માટે 4,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અમૃત 2.0 મિશન (શહેરોને પાણી-સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી) માટે 3,076 કરોડ રૂપિયાની રકમ માગવામાં આવી છે, જ્યારે સિંહસ્થ કુંભ મેળાના આયોજન અને અમલ માટે 3,000 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે.

સરકારે કૃષિ પંપ, પાવરલૂમ, કાપડ અને ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળી ટેરિફ સબસિડી માટે 2,722.42 કરોડ રૂપિયા અને ટ્યુશન અને પરીક્ષા ફીને આવરી લેતી શિષ્યવૃત્તિ યોજનાઓ માટે 2,360.06 કરોડ રૂપિયાની પણ માગણી  કરી છે.

શ્રાવણબાળ સેવા રાજ્ય પેન્શન યોજના હેઠળ લાભાર્થીઓ માટે રૂ. 2,000 કરોડ અને સંજય ગાંધી નિરાધાર યોજના હેઠળ અપંગ અને સામાન્ય શ્રેણીના લાભાર્થીઓ માટે રૂ. 1,874.38 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આંગણવાડી કાર્યકરોના માનદ્ વેતન અને પગાર માટે રૂ. 1,734.92 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જ્યારે વિદર્ભ સિંચાઈ વિકાસ નિગમના પ્રોજેક્ટ્સ માટે રૂ. 1,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પૂરક માંગણીઓમાં રોજગાર ગેરંટી યોજનાઓ માટે 942.50 કરોડ રૂપિયા, જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકોને ઇક્વિટી યોગદાન તરીકે 777 કરોડ રૂપિયા, મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના માટે 744.45 કરોડ રૂપિયા અને પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર પરિસરની આસપાસ વિકાસ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ યોજના માટે 600 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

વિભાગવાર, સહકાર, માર્કેટિંગ અને કાપડ વિભાગ માટે 22,015.42 કરોડ રૂપિયાની સૌથી વધુ પૂરક ફાળવણી પ્રસ્તાવિત કરવામાં આવી છે, ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ 15,152.43 કરોડ રૂપિયા અને ઉદ્યોગ, ઉર્જા, શ્રમ અને ખાણકામ વિભાગ 14,760.48 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નાણા વિભાગને 9,934 કરોડ રૂપિયા અને આયોજન વિભાગને 9,539.03 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર, જાહેર બાંધકામ વિભાગને 5,361.90 કરોડ રૂપિયા મળવાના છે, જ્યારે સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ અને જાહેર આરોગ્ય વિભાગ માટે અનુક્રમે 3,481.01 કરોડ રૂપિયા અને 3,061.26 કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.