(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદર પશ્ચિમમાં ગોખલે રોડ પર શુક્રવારે સાંજે જેસીબી દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમ્યાન મહાનગર ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ પડતા ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.મહાનગર ગૅસ લિમિટેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે દાદર પશ્ર્ચિમમાં ગોખલે રોડ પર અમર હિંદ મંડળ નજીક મેજવાની રેસ્ટોરા નજીક જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. એ દરમ્યાન ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ પડતા ગૅસનું ગળતર શરૂ થઈ ગયું હતું.
ગૅળ ગળતરને પગલે સ્થાનિક વિસ્તારમાં ગભરાટ વ્યાપી જતા તાત્કાલિક ધોરણે ગૅસ પાઈનપલાઈને તકેદારીના પગલારૂપે બંધ કરી દેવામાં આવી હતી, તેને પગલે અનેક લોકોના ઘર અને હૉટલોમાં જયા પાઈપલાઈનથી ગૅસ પુરવઠો થાય છે તે ખોરવાઈ ગયો હતો અને લોકોને હાલાકી ભોગવી પડી હતી. મહાનગર ગૅસ દ્વારા સમારકામ બાદ ગૅસ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવશે એવું મોડેથી જાહેર કરવામાં આવ્યું હતું.