વલસાડઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 28મી એપ્રિલે પરિણામ જાહેર થયું છે. 15 મહાનગર પાલિકાથી લઈ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થયા છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભાજપ એક કદાવર રાજકીય પક્ષ સાબિત થઈ રહ્યો છે. વલસાડ જિલ્લાની કુલ 36 બેઠકમાંથી 19 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસ માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી છે. વલસાડ તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાયો છે.
તાલુકામાં કમળ ખીલ્યું
તાલુકા પંચાયતમાં કુલ 32 બેઠકમાંથી 31 બેઠક ભાજપને ફળી છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેરનાર અને ખેડૂત નેતા તરીકેની ઓળખ પ્રાપ્ત કરનારા રાજુ કરપડાની સુરેન્દ્રનગરના મૂળીમાંથી જીત થઈ છે. 2533 મતથી રાજુ કરપડાની જીત થઈ છે. સુરેન્દ્રનગર તાલુકા પંચાયતની કુલ 180 બેઠકમાંથી 91 બેઠક પર ભાજપને સફળતા પ્રાપ્ત થઈ છે. ભાજપમાં જોડાયા બાદ 24 જ કલાકમાં રાજુ કરપડાને ટિકિટ મળી ગઈ હતી. મૂળી 2 બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. એ સમયે પણ સ્થાનિક સ્તરે સમીકરણ બદલાયા હતા, જેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે.
વલસાડમાં કોંગ્રેસના સુપડાં સાફ
વલસાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. 32માંથી 31 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત મહાનગર પાલિકાની કુલ 120માંથી 80 બેઠકો પર ભાજપે સફળતા પ્રાપ્ત કરી છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસ ખાતું ખોલાવી શકી છે. આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ ગઈ છે. વાપી મહાનગર પાલિકા તરીકે જાહેર થયા બાદ આ પહેલી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં વાપીમાં સૌથી વધારે 72.29 ટકા મત પડ્યા હતા. સુરતમાં આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠક પર સફળતા મેળવી શકી છે. નવસારી પણ મહાનગર પાલિકા તરીકે જાહેર થયા બાદ ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, જ્યારે કોંગ્રેસે માત્ર 2 બેઠક પર સંતોષ વ્યક્ત કર્યો છે. સૌથી મોટું અને ધ્યાન ખેંચનારૂ પરિબળ એ છે કે, નવસારી મહાનગર પાલિકામાં વૉર્ડ નં.6માં કોંગ્રેસ ઉમેદવાર પીયુષ ઢીમ્મર માત્ર 3 મતથી હાર્યા છે.