Sun Sep 06 2026

Logo

લેબેનોન સરકારનો મોટો નિર્ણય: હિઝબુલ્લાહની તમામ લશ્કરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

Berut   2026-03-02 19:07:35
Author: Vimal Prajapati
લેબેનોન સરકારનો મોટો નિર્ણય: હિઝબુલ્લાહની તમામ લશ્કરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

બૈરુત: મધ્ય પૂર્વમાં યુએસ-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે લેબેનોન સરકારે હિઝબુલ્લાહની તમામ સૈન્ય અને સુરક્ષા પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. વડા પ્રધાન નવાફ સલામે આજે મંત્રીમંડળની બેઠક પછી જાહેરાત કરી હતી કે લેબેનોની જમીનથી રાજ્યના કાયદેસર સંસ્થાઓની બહારથી કોઈપણ સૈન્ય કાર્યવાહીને અસ્વીકારવામાં આવે છે.  યુદ્ધ-શાંતિનો નિર્ણય માત્ર રાજ્યના હાથમાં છે.

તમામ સૈન્ય અને સુરક્ષા પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ 

આ નિર્ણય હિઝબુલ્લાહના ઈઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા પછી આવ્યો છે, જે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યાનો બદલો લેવા માટે હતો.  હિઝબુલ્લાહે હૈફા નજીક મિશમાર અલ-કર્મેલ મિસાઇલ ડિફેન્સ સાઇટ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે જવાબમાં બેરુતના દક્ષિણ ઉપનગરો, બેકા વેલી અને દક્ષિણ લેબનોન પર હવાઈ હુમલા કર્યા, જેમાં 31 લોકો માર્યા ગયા અને 149 ઘાયલ થયા. 

લેબેનોનના પીએમ નવાફ સલામે શું કહ્યું?

વધારે વિગતે વાત કરીએ તો, લેબેનોનના પીએમ નવાફ સલામે કહ્યું કે, હિઝબુલ્લાહને તાત્કાલિક તેના હથિયારો લેબેનોન સેનાને સોંપવા પડશે અને તેની ભૂમિકા માત્ર રાજકીય ક્ષેત્રે મર્યાદિત રહેશે. સેના અને સુરક્ષા એજન્સીને મિસાઇલ કે ડ્રોન લોન્ચ રોકવા તાત્કાલિક પગલાં લેવાના આદેશ આપ્યા છે. આ 2024ના યુદ્ધવિરામ પછી પ્રથમ વખત છે જ્યારે હિઝબુલ્લાહે ઈઝરાયલ પર હુમલાની જવાબદારી લીધી હોય. 

50 ગામ ખાલી કરવાની ઇઝરાયલની ચેતવણી

ઇઝરાયલે હિઝબુલ્લાહ નેતા નાઈમ કાસિમને લક્ષ્ય બનાવ્યા અને 50 ગામોમાં ખાલી કરવાની ચેતવણી આપી છે. આ નિર્ણયથી લેબેનોન અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે, તેમણે સરહદ પારથી છોડવામાં આવેલી એક મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી, જ્યારે બીજી ઘણી મિસાઇલ ખુલ્લા વિસ્તારોમાં પડી હતી. 

આ હુમલામાં કોઈ ઈજા કે નુકસાનના અહેવાલ નથી. દરમિયાન, હિઝબુલ્લાહે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ હુમલાઓ ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા અને ઇઝરાયલના વારંવારના આક્રમક પગલાંના જવાબમાં કરવામાં આવ્યા હતા.