- ગિરિરાજ
શું તમે ક્યારેય એવા રણ વિશે સાંભળ્યું છે જે દર વર્ષે ગાયબ થઈ જાય છે અને ફરી પાછું આવે છે? કચ્છનું રણ એક એવું ભૂમિદૃશ્ય છે જ્યાં ચોમાસાના થોડા મહિનાઓ સુધી છીછરો દરિયો જમીન પર ફરી વળે છે. ચોમાસા દરમિયાન, કચ્છના અખાતમાંથી આવતા ભરતીના પ્રવાહો આ સફેદ રણ તરફ વહે છે અને તેને એક અંતર્દેશીય સમુદ્રમાં ફેરવી દે છે. જેમ જેમ ચોમાસું વિદાય લે છે, તેમ તેમ પાણી પાછું ઓસરી જાય છે અને પાછળ છોડી જાય છે સફેદ સપાટ મેદાનોનો અનંત વિસ્તાર.
સી.પી. રાજેન્દ્રન નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડીઝ, બેંગલૂરુ ખાતે ભૂવિજ્ઞાની (જિઓસાયન્ટિસ્ટ) અને એડજંક્ટ પ્રોફેસર છે તેમનો અભ્યાસ લેખ વિવિધતાસભર માહિતી રજૂ કરે છે. લેખના અમુક અંશો આપણે માણીએ. ફ્લેમિંગો જેવા અસંખ્ય પ્રવાસી પક્ષીઓ આ નવરચિત તળાવ પર ઊતરી આવે છે, જ્યાં તેઓ માછલીઓનો ખોરાક લે છે અને કાદવ-કીચડવાળા કિનારે પોતાના ઈંડા સેવે છે, જેથી તે વિસ્તાર લીલોછમ બની જાય છે. પરંતુ આ કાયમ માટે રહેતું નથી. ઉનાળો આવતાં જ પાણી સુકાઈ જાય છે, ધરતી સુકાઈ જાય છે અને તમને ક્ષિતિજ સુધી પથરાયેલી એક એવી ભૂમિ દેખાય છે જે હિમ જેવી સફેદ અને મીઠાના ચમકતા સ્ફટીકોથી ભરેલી હોય છે. આ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું કચ્છનું રણ છે, જ્યાં એક રણ વર્ષ દર વર્ષે ઋતુઓ સાથે પોતાનું સ્વરૂપ બદલે છે. આ લક્ષણો કાયમી નથી; તે આવે છે અને જાય છે.
હિન્દી શબ્દ પરથી ઊતરી આવેલ `રણ'નો અર્થ ક્ષારયુક્ત ભૂમિ (સૉલ્ટ માર્શ) થાય છે, અને `કચ્છ'નો સંદર્ભ એક એવી જગ્યા સાથે છે જે વારાફરતી ભીની અને સૂકી રહે છે. લગભગ 26,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અને પૂર્વથી પશ્ચિમ સુધી લંબાયેલું કચ્છનું રણ `મોટું રણ' અને `નાનું રણ' એમ બે ભાગમાં વહેંચાયેલું છે. કાંપનો આ કાદવવાળો વિસ્તાર ભારતના સૌથી મોટા મીઠાનાં મેદાનોનું ઘર છે. આ ભવ્ય ભૂમિદૃશ્ય જે બળબળતા સૂર્યના તાપમાં ઝળહળે છે અને ચાંદની રાતે ચમકે છે તે પ્રવાસીઓ માટે પણ હજી ઓછું શોધાયેલું રહ્યું છે.
રણમાંથી ક્ષારના વિશાળ ક્ષેત્રોમાં થતું આ રૂપાંતર એ વાતનું એક નાનું સ્મરણ છે કે માત્ર થોડી સદીઓ પહેલાં આ વર્તમાન ભૂમિદૃશ્ય કેવું હતું: સમુદ્રકિનારે આવેલું અને નદીઓ તથા દરિયાઈ ખાડીઓથી વણાયેલું આ સ્થળ વિશ્વભરના વેપારીઓ માટે એક આદર્શ વાહનવ્યવહાર નેટવર્ક પૂં પાડતું હતું, જેમાં લગભગ 4,500 વર્ષ પહેલાં અહીં વસેલા પ્રાચીન રહેવાસીઓ પણ સામેલ હતા. આ જમીન 16 જૂન 1819ના રોજ આવેલા એક વિશાળ ભૂકંપનું કેન્દ્ર હતી. આવી ટેક્ટોનિક (ભૂગર્ભીય) ઘટનાઓ દ્વારા આકાર પામેલું જેમાં છેલ્લાં 1,000 વર્ષોમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ભૂકંપનો સમાવેશ થાય છે કચ્છનું રણ પૃથ્વી પરના સૌથી ગતિશીલ ભૂમિદૃશ્યોમાંથી એક રજૂ કરે છે.
1830-1833માં પ્રકાશિત `ધી પ્રિન્સિપલ્સ ઑફ જિઓલૉજી'ના લેખક ચાર્લ્સ લાયલ (Charles Lyell) માનતા હતા કે આ ઘટના સિસ્મોલૉજી (ભૂકંપવિજ્ઞાન)ના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક હતી અને તેમણે સપાટીના વિરૂપણ (સરફેસ ડિફૉર્મેશન)નું વર્ણન કરવા માટે આને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ટાંક્યું હતું. સિમોન વિન્ચેસ્ટરે તેમના 2003ના પુસ્તક `ક્રેકાટોઆ: ધ ડે ધ વર્લ્ડ એક્સપ્લોડેડ'માં લખ્યું હતું કે આ ઘટનાએ `વિશ્વનાં કુદરતી બળો જ્યાં સક્રિય હતાં તેવા એક પ્રાથમિક મહત્ત્વ ધરાવતા સ્થળની દૂરગામી ઝાંખી કરાવી હતી જે એક સમયે વિનાશક સ્થળ હતું, અને આજે ફરી શાંત થઈને શાંતિથી પોતાના સમયની રાહ જોઈ રહ્યું છે.'
આ ભૂકંપે લિક્વિફેક્શન (દ્રવીકરણ) જેવાં ઘણાં ગૌણ લક્ષણો પણ ઉત્પન્ન કર્યાં જે ભૂકંપની ધ્રુજારીને કારણે ઉત્પન્ન થયેલા ઊંચા દબાણને લીધે ઊભી થતી દલદલ (ક્વિકસેન્ડ) જેવી સ્થિતિ છે. દ્રવીકરણ દ્વારા બનેલા રેતીના ફુવારા (સેન્ડ બ્લોઝ) આજે પણ રણના વિવિધ ભાગોમાં સચવાયેલા છે. 19મી સદીના ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આ તમામ ઘટનાઓ નવી હતી. આ ભૂકંપ દરમિયાન રણનો એક ભાગ ચારથી પાંચ મીટર ઊંચો આવ્યો, જ્યારે બીજો ભાગ થોડા અંશે નીચે બેસી ગયો.
પુરાણ નદી સાથે જોડાયેલી ભરતીની ખાડીના નીચે બેસી ગયેલા ભાગ પર સર્જાયેલી દલદલની સ્થિતિને કારણે ત્યાં આવેલો પ્રખ્યાત `સિંધરી કિલ્લો' જે નદીના વાહનવ્યવહાર પર નિયંત્રણ રાખતો હતો તે ધસી પડ્યો અને ડૂબી ગયો. જ્યારે મેસેડોનિયાનો રાજા સિકંદર (એલેક્ઝાન્ડર) ભારતીય ઉપખંડના પશ્ચિમ ભાગમાં પહોંચ્યો ત્યારે કચ્છનું રણ હજુ પણ સમુદ્રની અંદર જ હતું. આ પ્રદેશનો ઇતિહાસ 2,000થી વધુ વર્ષોથી સારી રીતે નોંધાયેલો છે.
ઉદાહરણ તરીકે, કેટલાક પ્રાચીન વિદ્વાનોએ સિંધુ ડેલ્ટામાં સમુદ્ર સપાટીના વિનાશક ફેરફારો અને ઈ.સ. પૂર્વે 326/327માં સિકંદરના સૈન્ય અભિયાન દરમિયાન તેના નૌકાદળ પર પડેલી અસરોની નોંધ લીધી છે. રણના પૂર્વ છેડે આવેલા ધોળાવીરાના પ્રાગઐતિહાસિક હડપ્પન વાસીઓએ તે સમયે વેપાર માટે આ છીછરા સમુદ્રનો ઉપયોગ કર્યો હોઈ શકે છે એટલે કે લગભગ 4500 વર્ષ પહેલાં. પુરાવા સૂચવે છે કે અંતે ટેક્ટોનિક હલનચલનને કારણે જમીન સમુદ્ર સપાટીથી ઉપર આવવા મજબૂર થઈ અને કચ્છનું રણ બન્યું.