ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો ઝુંબેશ ઓપરેશન હાથ ધરીને ૪૦૦ હેક્ટરથી વધુ આરક્ષિત વન ભૂમિને ભૂમાફિયાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવી છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં આવી રહી હતી. વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે ૨૦ જેસીબી મશીનો અને ૧૫ ટ્રેક્ટરોના વિશાળ કાફલા સાથે આ પંથકમાં સર્જાયેલા ઇતિહાસના સૌથી મોટા બુલડોઝર એક્શનની ચર્ચાએ જોર પકડ્યું છે. સામાન્ય રીતે રહેણાંક કે વ્યાપારી બાંધકામો પર બુલડોઝર ફરવાના કિસ્સા બનતા હોય છે, પરંતુ આ વખતે મામલો સેંકડો હેક્ટર વન્ય સરકારી જમીનનો છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા આરક્ષિત વન વિસ્તારમાં અંદાજે ૩૦૦ હેક્ટર જેટલી વન વિભાગની કિંમતી જમીન પર છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવીને ખેતી કરવામાં આવતી હતી. આ જમીન સરકારી ચોપડે વન વિભાગ હસ્તક બોલતી હતી, પરંતુ વાસ્તવિક સ્થિતિ સામે આવતાં વન વિભાગે ૨૦ જેસીબી મશીનો, ૧૫ ટ્રેક્ટરો, વન વિભાગના ૬૫થી વધુ કર્મચારીઓ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકીને ગણતરીના કલાકોમાં દબાણ ધ્વસ્ત કરી નાખ્યું હતું. માત્ર નિરોણા વિસ્તારમાંથી જ વન વિભાગે ૩૦૦ હેક્ટર જમીન પુનઃ પોતાના હસ્તક લીધી છે.
આ મેગા ડ્રાઇવ માત્ર નખત્રાણાના નિરોણા પંથક પૂરતી સીમિત ન રહેતા અન્ય વિસ્તારોમાં પણ લંબાવવામાં આવી હતી. નખત્રાણા પૂર્વ રેન્જના સાયરા ગામમાં પણ વન વિભાગે તુરંત કાર્યવાહી કરી ૨૦ હેક્ટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરાવી હતી. આ ઉપરાંત, દયાપર ઉત્તર રેન્જના શિણાપર આરક્ષિત વન વિસ્તારમાં પણ બુલડોઝરે ગર્જના કરી હતી, જ્યાં આશરે ૧૦૦ હેક્ટર વન ભૂમિ પરથી ગેરકાયદે આક્રમણ હટાવી દેવાયું હતું.
વન વિભાગ દ્વારા મુક્ત કરાયેલી આ ત્રણેય વિસ્તારોની કુલ ૪૨૦ હેક્ટર જેટલી વિશાળ જમીન પર વર્ષ ૨૦૨૭-૨૮ દરમિયાન વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરી ગીચ જંગલ ઊભું કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
આ અંગે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરે જણાવ્યું હતું કે, "વન ભૂમિ પર ગેરકાયદેસર કબ્જો એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ તેની સીધી નકારાત્મક અસરો સ્થાનિક પર્યાવરણ, જૈવ વિવિધતા અને વન સંરક્ષણ પર પડે છે. સરકારી કે વન વિભાગની જમીન પચાવી પાડનારા તત્વોને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં." વન વિભાગ દ્વારા આવા સંવેદનશીલ વિસ્તારો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)