Fri Jul 24 2026

Logo

વાછરાદાદાના દર્શને જતાં આદિપુરના પિતા-પુત્રનું કચ્છના નાના રણમાં કાર પલટી જતાં મોત

2026-05-02 13:47:00
Author: Mumbai samachar Team
Article Image

ભુજઃ કચ્છના નાના રણમાં સ્થિત રાપર તાલુકાના વરણું-પલાંસવા માર્ગે ઇનોવા કાર પલટી મારી જતાં આદિપુરના આહીર પરિવારના પિતા અને ૧૩ વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પરિવારના અન્ય ૬ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

મળતી વિગતો મુજબ, આદિપુરની રોયલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા આહીર પરિવારના ૮ સભ્યો ટોયોટા ઈનોવા કારમાં સવાર થઈ રણધામ વાછરાદાદાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. રણની વચ્ચે આવેલા વરણું-પલાંસવા માર્ગ પરના મેડક બેટ પર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા કાર ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગઈ હતી.

 જેમાં કમલેશભાઈ મ્યાજરભાઈ આહીર અને તેમના ૧૩ વર્ષીય પુત્ર ધર્મેશ કમલેશ આહીરના ગંભીર ઈજાઓ  પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતા. અકસ્માત સર્જાતા જ નિર્જન રણપ્રદેશ ઈજાગ્રસ્તોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલા આદિપુરના જ અન્ય એક પરિવારે તુરંત મદદની કામગીરી હાથ ધરી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 

મૃતક કમલેશભાઈના પત્ની અને પુત્રીઓ સહિત અન્ય ૬ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી આદિપુર સહિત સમગ્ર કચ્છના આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ મામલે આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)