Sat May 02 2026

Logo

કચ્છમાં ઇંધણનું સંકટ: ડીઝલની તીવ્ર અછતને પગલે માલવાહક વાહનો થંભી જશે?

2026-05-02 14:40:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ થવાની આશંકા વચ્ચે દેશભરમાં ઇંધણના પુરવઠા પર અસર પડી રહી છે. આ ગંભીર અસરોનો સીધો ફટકો ગુજરાતના ટ્રાન્સપોર્ટ હબ ગણાતા ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લાને પડ્યો છે. હાલમાં કચ્છમાં ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને માલવાહક વાહનોના પૈડાં થંભી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ મોટી ટ્રાન્સપોર્ટ મંડળીઓ અને વ્યવસાયીઓ પોતાના 'કન્ઝ્યુમર પંપો' પરથી ઇંધણ મેળવતા હતા. જોકે, હાલમાં કન્ઝ્યુમર પંપો પર ડીઝલનો ભાવ વધીને પ્રતિ લિટર રૂ.૧૨૦ની આસપાસ પહોંચી ગયો છે. તેની સરખામણીએ રેગ્યુલર પેટ્રોલ પંપો પર ડીઝલ સસ્તું હોવાથી તમામ વાહનચાલકો ત્યાં વળ્યા છે. આ અચાનક વધેલા ધસારાને પહોંચી વળવામાં રેગ્યુલર પંપો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, પરિણામે મોટાભાગની ટ્રાન્સપોર્ટ મંડળીઓ અને કન્ઝ્યુમર પંપો અત્યારે બંધ સમાન હાલતમાં છે.

ડીઝલની મર્યાદિત આવકને કારણે પંપ સંચાલકો દ્વારા ચોક્કસ 'સેટિંગ' ધરાવતા અથવા સ્થાનિક મોટા ટ્રાન્સપોર્ટરોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. આ સ્થિતિમાં જિલ્લા કે રાજ્ય બહારથી આવતા એકલ-દોકલ વાહનચાલકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ડીઝલ મળી રહ્યું નથી. શહેરના આંતરિક વિસ્તારોમાં આવેલા પંપો પર ભારે વાહનોની કતારોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ રહી છે.

અગાઉ પંપો પર ચાલતી 'ઉધારી'ની સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે, હવે રોકડા રૂપિયા હોવા છતાં વાહનચાલકોને ઇંધણ મેળવવા ફાફા મારવા પડી રહ્યા છે.

જાણકારોના મતે, કચ્છમાં અગાઉ ઇન્ડસ્ટ્રિયલ યુઝના નામે મોટા પાયે બાયો-ડીઝલનો જથ્થો આવતો હતો, જેનો ગેરકાયદેસર રીતે વાહનોમાં વપરાશ થતો હતો. હાલમાં આ જથ્થો પણ બંધ હોવાથી તે તમામ વાહનોનો ભાર પણ હવે રેગ્યુલર પેટ્રોલ પંપો પર આવી ગયો છે, જેના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.

આ અંગે કચ્છ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ વિમલ ગુજરાતીએ જણાવ્યું હતું કે, પંપ પર આવતા તમામ વાહનોને પૂરતું ડીઝલ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જેટલો જથ્થો સપ્લાય થાય છે તેનું વિતરણ કરવામાં આવે છે. આ મુદ્દો સંવેદનશીલ હોવાથી વધુ ટિપ્પણી કરી શકાય તેમ નથી.

દરમ્યાન, વર્તમાન પરિસ્થિતિને જોતા ટ્રાન્સપોર્ટરોની માંગ છે કે જો તંત્ર દ્વારા હસ્તક્ષેપ કરી કન્ઝ્યુમર પંપો પર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવે અને ભાવના તફાવત અંગે યોગ્ય નિર્ણય લેવાય, તો જ રેગ્યુલર પંપો પરથી ભારણ ઘટી શકે તેમ છે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો કચ્છના પરિવહન ઉદ્યોગ પર તેની ગંભીર આર્થિક અસર જોવા મળી શકે છે.

(ઉત્સવ વૈદ્ય)