ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છના કોટેશ્વરથી માંડીને માંડવી, મુંદરા અને કંડલા સુધીના અરબી સમુદ્રના જળક્ષેત્રમાં ‘ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન’ની હાજરી સતત વધી રહી છે. ગુજરાત વન વિભાગના તાજેતરના સર્વે મુજબ, કચ્છથી ભાવનગર સુધીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ જેટલી ડોલ્ફિન નોંધાઈ છે, જેમાંથી સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન ઓખાથી નવલખી વચ્ચેના મરીન નેશનલ પાર્કમાં ઉછળકૂદ કરતી જોવા મળી છે. ખાસ કરીને કંડલા અને મુન્દ્રા વચ્ચેના ખાડી વિસ્તારમાં માદા ડોલ્ફિન તેના બચ્ચા સાથે જોવા મળતાં આ ક્ષેત્ર હવે ડોલ્ફિન માટે 'નર્સરી ગ્રાઉન્ડ' બની રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. ૩૦ થી ૪૦ વર્ષનું લાંબુ આયુષ્ય ધરાવતી આ પ્રજાતિનો પ્રજનન દર ઘણો ધીમો હોવાથી તેમની સુરક્ષા અત્યંત મહત્વની છે.
જોકે, આ સકારાત્મક ચિત્ર વચ્ચે દરિયાઈ જીવસૃષ્ટિ સામે ત્રિમુખી પડકાર ઊભો થયો છે. પ્રથમ મોટું જોખમ ‘મરીન હીટવેવ’નું છે; હાલમાં અરબી સમુદ્રના ૨૨ ટકા ભાગમાં તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી સેલ્સિયસ વધુ હોવાથી ડોલ્ફિનનો મુખ્ય ખોરાક ગણાતી માછલીઓ અને ઝીંગાનો નાશ થઈ રહ્યો છે, જે તેમની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. બીજું ગંભીર જોખમ પશ્ચિમ એશિયાના લશ્કરી સંઘર્ષનું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા ઓઈલ ટેન્કરોમાંથી જો મોટા પાયે ઓઈલ સ્પિલ એટલે કે તેલ ઢોળાય તો દરિયાઈ પ્રવાહો સાથે તે ઝેરી ક્રૂડ ઓઈલ કચ્છના કાંઠા સુધી પહોંચી શકે છે, જે ડોલ્ફિન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત, ખાડી દેશના યુદ્ધના કારણે વધેલી નૌસૈનિક ગતિવિધિઓ અને જહાજોના હાઈ-ફ્રિક્વન્સી 'સોનાર અવાજ' ડોલ્ફિનની દિશા શોધવાની ક્ષમતા પર ઘાતક અસર કરે છે, જેનાથી ભૂતકાળમાં પણ અસંખ્ય ડોલ્ફિનના મોત નીપજ્યા છે. ગલ્ફ કટોકટીના લીધે હવે આંતરરાષ્ટ્રીય જહાજોનો ટ્રાફિક પણ કંડલા-મુંદરા તરફ ડાયવર્ટ થયો છે, જેનાથી જહાજોની ટક્કર અને પ્લાસ્ટિક પ્રદૂષણનું જોખમ બેવડાયું છે. આ તમામ વૈશ્વિક અને સ્થાનિક પડકારો વચ્ચે કચ્છનો સ્થાનિક માછીમાર સમુદાય આશાનું કિરણ બન્યો છે. માછીમારો જાળમાં ફસાયેલી ડોલ્ફિનને ઈજા વગર મુક્ત કરીને તથા બોટની ગતિ ધીમી રાખીને વન વિભાગના સહયોગથી આ ‘ગુલાબી મહેમાન’ને બચાવવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)