ભુજઃ કચ્છના સરહદી દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. શનિવારે અબડાસા અને લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારોમાં હાથ ધરાયેલા પેટ્રોલીંગ દરમિયાન જુદા-જુદા સ્થળોએથી કુલ 30 જેટલા બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂપિયા 18 કરોડ આંકવામાં આવી છે.
બોયા ટાપુ પરથી અંદાજે 24 કિલો ચરસ મળી આવ્યું
જખૌ સ્થિત કોસ્ટગાર્ડની ટીમે ઓવરક્રાફ્ટ પેટ્રોલીંગ દરમિયાન બોયા ટાપુ પરથી 20 પેકેટ (અંદાજે 24 કિલો) ચરસ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત રૂપિયા 12 કરોડ છે. બીજી તરફ, લખપત નજીક બકલ ટાપુ વિસ્તારમાં સરહદી સલામતી દળની પેટ્રોલિંગ ટુકડીએ તપાસ દરમિયાન વધુ 10 જેટલા ચરસના પડીકાં ખોળી કાઢી એક જ દિવસમાં કુલ 30 પેકેટો મળતા સુરક્ષા દળો ચોંકી ઉઠ્યા છે.
ડ્રોન વિમાનનું પાંખિયું સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ચરસના જથ્થા ઉપરાંત, અબડાસાના લુણા ટાપુ પરથી મરીન પોલીસ, સ્ટેટ ઇંટેલિજન્સ બ્યુરો અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત તપાસમાં એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવ્યું છે જેને કબજે કરી એરફોર્સને સુપરત કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે સતત મળી રહેલા કેફી દ્રવ્યોના પેકેટોને પગલે ગુપ્તચર એજન્સીઓએ પેટ્રોલીંગ સઘન બનાવ્યું છે અને હજુ પણ વધુ જથ્થો મળવાની શક્યતાએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.