Fri May 01 2026

Logo

કચ્છનો સમુદ્રકાંઠો માદક પદાર્થોથી ઉભરાયો: શિયાળબારી ટાપુ પરથી ચરસના ૧૦ બિનવારસી પેકેટ મળી આવ્યા

2026-05-01 12:52:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ  વર્ષાઋતુના આગમન પૂર્વે સમુદ્રમાં સર્જાતા કરંટને કારણે સામેપારથી તણાઈને આવતા કેફી દ્રવ્યોનો સિલસિલો કચ્છના દરિયાકાંઠે સતત બીજા દિવસે જારી રહ્યો છે. અબડાસા નજીકના દુર્ગમ શિયાળબારી ટાપુ પરથી જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વોટરપ્રૂફ પ્લાસ્ટિકમાં પેક કરેલા ચરસના વધુ ૧૦ બિનવારસી પેકેટ મળી આવ્યા છે.

જખૌ મરીન પોલીસના ઇન્ચાર્જ પી.આઈ. વી.એમ. ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સુરક્ષા એજન્સીઓના પેટ્રોલિંગથી બચવા માટે ઘણીવાર નશીલા પદાર્થોનો જથ્થો દરિયામાં ફેંકી દેતા હોય છે. ચોમાસું નજીક હોવાથી દરિયામાં ઉછળતા ઊંચા મોજા અને ભરતી-ઓટના કારણે આ જથ્થો કચ્છના કાંઠે તણાઈ આવે છે. ગતરોજ ૧૦ પેકેટ મળ્યા બાદ આજે ફરી શિયાળબારી ટાપુ પરથી ૧૦ પડીકાં મળી આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ગુજરાતના દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અંગે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ સાદા પ્લાસ્ટિકમાં આવતો આ જથ્થો હવે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની 'પ્રીમિયમ કોફી'ના પેકિંગમાં મોકલવામાં આવી રહ્યો છે. આ રણનીતિ પાછળનું મુખ્ય કારણ તપાસ એજન્સીઓની નજર ચૂકવવાનું છે. મોટા શહેરોમાં લોકપ્રિય એવી આ વિદેશી કોફીનું એક પેકેટ અંદાજે રૂા. ૧૦,૦૦૦ની કિંમતનું હોવાથી, તપાસ દરમિયાન અધિકારીઓ મોંઘી બ્રાન્ડનું સીલ તોડતા અચકાતા હોય છે, જેનો લાભ ડ્રગ પેડલરો ઉઠાવે છે.

કચ્છના ક્રીક વિસ્તારમાંથી છેલ્લા સાત વર્ષમાં સરેરાશ દર અઠવાડિયે એક ચરસનું પેકેટ પકડાય છે. આ ઉચ્ચ ગુણવત્તાનું શુદ્ધ ચરસ મુખ્યત્વે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં મોકલવા માટે ગુજરાતના સમુદ્રકાંઠાનો 'ટ્રાન્ઝિટ પોઈન્ટ' તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા સ્થાનિક માછીમારોને પણ કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તુરંત જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. 

ગઈકાલે જખૌ મરીન પોલીસની ટુકડી દુર્ગમ ખિદરત ટાપુ નજીક દરિયાઈ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટાપુના કાંઠે તણાઈ આવેલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતા આ પેકેટો ચરસના હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તમામ ૧૦ પેકેટ કબજે કરી જખૌ મરીન પોલીસ મથકે જમા કરાવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે દરિયો રફ બનતાં આ માદક પદાર્થનો જથ્થો કિનારા તરફ તણાઈ આવ્યો હોવાનું માનવામાં આવે છે.


(ઉત્સવ વૈદ્ય)